દહિસરની ગુજરાતી ગૃહિણીએ ફોન-રોમિયોને પકડાવી દીધો

15 December, 2012 09:47 AM IST  | 

દહિસરની ગુજરાતી ગૃહિણીએ ફોન-રોમિયોને પકડાવી દીધો




ઘરની યુવાન પુત્રીને ક્યારેય ઘરનો કોઈ પણ મોબાઇલ ફોન રીચાર્જ કરવા દુકાનમાં મોકલવી જોઈએ નહીં એવી ચેતવણી આપતો એક કિસ્સો દહિસરમાં બન્યો છે. મોબાઇલ રીચાર્જ કરનાર યુવકે એ નંબર આ યુવતીનો હશે એમ માનીને તેને પટાવવાનો પ્રયાસ કર્યો; પણ આમ કરતાં તે પકડાઈ ગયો હતો, કારણ કે આ મોબાઇલ નંબર તે યુવતીનો નહીં પણ તેની મમ્મીનો હતો. ૨૫ વર્ષના ઇરફાન ખાને આ નંબર યુવતીનો હશે એમ સમજી તેને એકતરફી પ્રેમના SMS તથા ફોન કરતાં હેરાન થયેલી આ મહિલાએ તેને શોધી કાઢ્યો હતો અને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ સંદર્ભે ગઈ કાલે દહિસર પોલીસ-સ્ટેશનમાં એનસી નોંધાઈ હતી.

દહિસર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ આ બનાવ વિશે કહ્યું હતું કે ‘દહિસર (ઈસ્ટ)ના આંબાવાડી વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષની ગુજરાતી મહિલા પૂનમ મહેતા (નામ બદલ્યું છે)એ રવિવારે તેની પુત્રી દીપિકા (નામ બદલ્યું છે)ને મોબાઇલ રીચાર્જ કરવા મોકલી હતી. એ વખતે દુકાનમાં રીચાર્જનું કામ કરતા ઇરફાને ૧૦૦ રૂપિયાનું રીચાર્જ તેના મોબાઇલથી કરી આપ્યું હતું અને દીપિકાનું નામ પણ જાણી લીધું હતું. ઇરફાનને દીપિકા પહેલી જ મુલાકાતમાં ગમવા લાગતાં તે તેને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો એટલે તેણે રીચાર્જ કરી આપ્યું એ નંબર પર પ્રેમભર્યા SMS કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ નંબર દીપિકાનો નહીં પરંતુ તેની માતા પૂનમનો હતો એ વિશે તેને જાણ નહોતી. દીપિકાની માતા પૂનમને આવા SMS મળતાં તેણે શરૂઆતમાં એને ગંભીરતાથી લીધા નહોતા, પણ ત્યાર બાદ ઇરફાને આ નંબર પર ફોન કરવાનું શરૂ કરતાં તે હેરાનપરેશાન થઈ ગઈ હતી અને માત્ર ચાર દિવસની અંદર તેને શોધી કાઢવાનો મનસૂબો બનાવી લીધો હતો.

ઇરફાને ફોનમાં તેને કહ્યું હતું કે હું તને ઘણો પ્રેમ કરું છે અને લગ્ન કરવા માગું છું. પૂનમે આ યુવક સાથે પ્રેમભરી વાતો કરવાની શરૂઆત કરી હતી. તેણે ઇરફાનને શોધી કાઢવા માટે તેને મળવા બોલાવ્યો હતો, પરંતુ ઇરફાન આવ્યો નહોતો. બુધવારે ઇરફાને ફોન કયોર્ ત્યારે તેણે કહ્યું હતું કે તું ઘણી ગોરી છે એટલે તને કોઈની નજર ન લાગે એ માટે હું તને હંમેશાં બુરખામાં રાખીશ. ત્યારે પૂનમે કહ્યું હતું કે જો હું ગોરી ન હોત તો પણ તું મારી સાથે લગ્ન ન કરત? આ પ્રશ્નનો જવાબ આપતાં ઇરફાને કહ્યું હતું કે હું તને ઓળખું છું અને તને જોઈ પણ છે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. આ પ્રશ્નનો જવાબ આપતાં પૂનમે તેને કહ્યું હતું કે હું પરિણીત છું અને બે છોકરાની માતા છું. જોકે ઇરફાને આ વાત ગંભીરતાથી લીધી નહીં, કારણ કે તેને લાગ્યું કે દીપિકા તેની સાથે મજાક કરી રહી છે. એટલે ઇરફાને તેને કહ્યું કે તું પરિણીત હશે તો પણ ઠીક છે, એમ છતાં હું તારી સાથે લગ્ન કરવા માગું છું. ત્યારે પૂનમે તેને કહ્યું કે ‘મેં તો તને જોયો પણ નથી, તું કેવો દેખાય છે એ પણ મને ખબર નથી. હું પણ તને પ્રેમ કરું છું. તું મને એક વાર મળવા આવ. ત્યાર બાદ તને જોઈને હું તારી સાથે લગ્ન કરીશ.’

આ સાંભળીને ઇરફાન બહુ ખુશ થઈ ગયો હતો એટલે તેણે ગઈ કાલે સવારે ફોન કયોર્ હતો અને તેને કહ્યું હતું કે તું જ્યાં રહે છે એ વિસ્તારની એક દુકાનમાં હું કામ કરું છું. એ વખતે ફોન પર વાત કરતાં-કરતાં પૂનમે તેને શોધી કાઢ્યો હતો. ઇરફાનની ધુલાઈ કરીને તે પોલીસ-સ્ટેશન સુધી ખેંચીને લઈ ગઈ હતી અને પોલીસને સોંપી દીધો હતો. ઇરફાનનો અગાઉ કોઈ પણ પ્રકારનો પોલીસ-રેકૉર્ડ ન હોવાથી પોલીસે એનસી લખી દંડ વસૂલ કરીને તેને છોડી મૂક્યો હતો.

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ, એનસી = નૉન-કૉગ્નિઝેબલ