દહિસરમાં વાંદરાઓના આતંકથી રહેવાસીઓ હેરાન

03 December, 2020 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દહિસરમાં વાંદરાઓના આતંકથી રહેવાસીઓ હેરાન

એક ફ્લૅટની વિન્ડો ખોલવા પ્રયત્ન કરી રહેલો વાંદરો

સોસાયટીઓનાં ઘરોમાં ઘૂસીને વાંદરાઓ જે-તે વસ્તુઓનો નાશ કરે છે એવા કિસ્સા અનેક વખત પ્રકાશમાં આવ્યા છે ત્યારે હાલમાં દહિસર-ઈસ્ટના આનંદનગરમાં આવેલી વિશ્વકર્મા નગર કો-ઑપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં ૧૦ દિવસથી ૪ વાંદરાઓના આતંકથી રહેવાસીઓને ભારે પરેશાની થઈ રહી છે. જોકે રહેવાસીઓએ આ બાબતે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને નગરસેવકને ફરિયાદ પણ કરી છે અને તેઓ દ્વારા આશ્વાસન પણ મળ્યું છે કે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવીશું.

સવારે, બપોરે અને સાંજે વાંદરાઓ ફ્રેન્ચ વિન્ડોમાંથી ઘરની અંદર પ્રવેશીને કિચનમાં જઈને ફ્રિજમાં મૂકેલી વસ્તુઓ ખાય છે અથવા નીચે ફેંકે છે તથા બધું વેરવિખેર કરી નાખે છે, એમ કહેતાં વિશ્વકર્મા નગર સોસાયટીના ચૅરમૅને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં કુલ ૧૪૩ ફ્લૅટ છે અને બધી વિન્ગમાં ચાર વાંદરાઓનો ત્રાસ છે. હજી સુધી કોઈ રહેવાસીઓને નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ ઘરમાં ઘૂસીને ઘરની વસ્તુઓ એમાંય ખાસ કરીને કિચનમાં પડેલી વસ્તુઓ, સામાન કે મૂકેલા ડબ્બાઓને જમીન પર ફેંકી નુકસાન કરે છે. અચાનક ધીમેથી ઘરની વિન્ડોમાંથી અંદર પ્રવેશતાં હોવાથી નાનાં બાળકો સહિત સિનિયર સિટિઝનો પણ ગભરાઈ જાય છે. બે દિવસ પહેલાં સોસાયટીમાં એક સભ્યના ઘરે બાળકીનો જન્મદિવસ હતો ત્યાં વાંદરાઓ ઘરની અંદર ઘૂસી ફ્રિજ ખોલીને કેક ખાઈ થમ્સ-અપ પી ગયા હતા. વાંદરાઓના આતંકને કારણે ઘરની વિન્ડો બંધ રાખીએ તો સફોકેશન થાય છે. હવે તો ફ્રેન્ચ વિન્ડો કેમ ખોલવી એની ટ્રિક પણ તેઓ શીખી ગયા છે. આ બાબતે અમે નગરસેવક જગદીશ ઓઝા તેમ જ એમએલએ મનીષાતાઈ ચૌધરી તેમ જ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન દ્વારા ફરિયાદ પણ કરી છે. વહેલી તકે અમારી સમસ્યાનો ઉકેલ આવે તો સારું થશે.’

આ બાબતે વૉર્ડ-નંબર બેના નગરસેવક જગદીશ ઓઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીમાં વાંદરાઓના આંતક બાબતે મેં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે. તેઓએ મને કહ્યું હતું કે એકાદ-બે દિવસની અંદર જ તેમની ટીમને મોકલીને વાંદરાઓને પકડી લેશે. આજે નહીં તો કાલ સુધીમાં રહેવાસીઓની સમસ્યાનો ઉકેલ આવી જશે.’

mumbai mumbai news dahisar