દહિસર મર્ડર કેસની આંટીઘૂંટી : સ્વર્ગસ્થ ભાઈના સાળાની હત્યા કરવા પોતાના જ સાળાને સોપારી

20 October, 2011 08:11 PM IST  | 

દહિસર મર્ડર કેસની આંટીઘૂંટી : સ્વર્ગસ્થ ભાઈના સાળાની હત્યા કરવા પોતાના જ સાળાને સોપારી

 

(બકુલેશ ત્રિવેદી)

મુંબઈ, તા. ૨૦

પ્રી-પ્લાન કરીને કરવામાં આવેલી આ હત્યામાં દહિસર પોલીસે નીતિન અને યોગિનીએ ગુનો કબૂલી લીધો હોવા છતાં કૌશિકનો મૃતદેહ ગઈ કાલ રાત સુધી મળ્યો ન હોવાથી તેમને માત્ર તાબામાં લીધાં હતાં, જ્યારે નીતિનના સાળા રાજપ્પાએ કૌશિકનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું એટલે તેની ધરપકડ કરીને ગઈ કાલે ર્કોટમાં હાજર કર્યો હતો.

અદાવતનું મૂળ

સાવરકુંડલાની પાસેના છવી વીરડી ગામના લેઉવા પટેલ જ્ઞાતિના કૌશિક ઝાલાવાડિયાનો પરિવાર વર્ષોથી દહિસરના આનંદનગરના મયૂરી બિલ્ડિંગમાં રહે છે. ચારકોપની એલ. એન. કૉલેજમાં સેકન્ડ યર બી.સીએ (બૅચલર ઇન કમ્પ્યુટર ઍપ્લિકેશન)માં ભણતા કૌશિકની મોટી બહેન સંગીતાનાં લગ્ન ભરત નિશર સાથે ૭ વર્ષ પહેલાં થયાં હતાં. કૌશિકના કઝિન અશ્વિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં કૌશિકના મોટા ભાઈ ભાવેશનાં લગ્ન તેમના છવી વીરડી ગામમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યારે ભરતે પણ લગ્નપ્રસંગે સંગીતા સાથે હાજરી પુરાવી હતી. જોકે લગ્નના આગલા દિવસે રાતે ડીજે (ડિસ્ક જૉકી) પર દાંડિયા-રાસનો પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે ભરતને ફોન આવ્યો હતો જેને અટેન્ડ કરવા તે થોડે દૂર ગયો હતો ત્યારે થયેલા અકસ્માતમાં માત્ર પતરું ઢાંકેલા કૂવામાં પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તેના પોસ્ટમૉર્ટમના રર્પિોટમાં પણ ભરતનું મૃત્યુ ડૂબી જવાથી થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને ભરતના નાના ભાઈ નીતિને બહુ ગંભીરતાથી લીધી હતી અને તેણે આક્ષેપ કરતાં ધમકી આપી હતી કે તમે મારા ભાઈનું ખૂન કર્યું છે, હું પણ તમારા ઘરની કોઈ એક વ્યક્તિને મારી નાખીશ. ત્યારથી તે અવારનવાર ધમકી આપતો રહેતો હતો.’

પ્રી-પ્લાન્ડ મર્ડર

ભરતના મૃત્યુ બાદ નીતિનને એ વાતનું બહુ જ ખુન્નસ હતું એમ જણાવીને સોમવારની ઘટના વિશે વધુ જણાવતાં અશ્વિને કહ્યું હતું કે ‘૪૦ વર્ષના નીતિને થોડા વખત પહેલાં તેની મોબાઇલ શૉપમાં કામ કરતા દક્ષિણ ભારતીય રાજપ્પાની બહેન યોગિની સાથે લગ્ન કયાર઼્ છે. નીતિને રાજપ્પાને કૌશિકનું મર્ડર કરવા તૈયાર કર્યો હતો. અને ચાર લાખ રૂપિયાની સોપારી આપી હતી. રાજપ્પાએ આ કામ માટે તેના કેટલાક મિત્રોની મદદ લીધી હતી. બે-ત્રણ મહિના પહેલાંથી રાજપ્પાએ કૌશિક સાથે ફ્રેન્ડશિપ કેળવી હતી અને તેની સાથે થોડોઘણો આર્થિક વ્યવહાર પણ કર્યો હતો. સોમવારે હત્યાનું પ્લાનિંગ કરીને તેણે કૌશિકને દહિસરના આનંદનગર પેટ્રોલ-પમ્પ પાસે ફોન કરીને ઉધાર લીધેલા ૫૦૦ રૂપિયા પાછા આપવા છે એમ કહીને બોલાવ્યો હતો. એ વખતે કૌશિક તેના એક અન્ય ફ્રેન્ડ સાથે હતો. તેણે રાજુએ બોલાવ્યો છે તો હું પૈસા લઈને થોડી વારમાં આવું છું એમ કહ્યું હતું. તે જ્યારે પેટ્રોલ-પમ્પ પર પહોંચ્યો ત્યારે પહેલેથી જ તૈયાર રાજપ્પા (રાજુ)એ તેને રિક્ષામાં બેસાડી દીધો હતો. તેની સાથે બીજા બે માણસો પણ હતા. તેઓ કાંદિવલી તરફ રિક્ષામાં ગયા હતા, જ્યાં રિક્ષા છોડીને પીળા કલરની ઝેન કારમાં ગોઠવાયા હતા. એ વખતે કૌશિકને ડાઉટ જતાં તેણે તેના ફ્રેન્ડને એસએમએસ કરીને કહ્યું હતું કે જો હું પાછો ન આવું કે મને કંઈ થાય તો રાજુના નંબર પર કૉન્ટૅક્ટ કરવો. થોડી વાર બાદ તેણે ફોન કર્યો હતો અને એટલું જ બોલ્યો હતો કે હું કાંદિવલી બ્રિજ પર છું અને આ લોકો મને મારી નાખશે. પછી ફોન કટ થઈ ગયો હતો. બીજી બાજુ કૌશિકનો ફ્રેન્ડ આટલી જ માહિતીના આધારે બીજા મિત્રો સાથે બાઇક પર તેને શોધવા નીકળ્યો હતો. જોકે તેનો પત્તો લાગ્યો નહોતો. આખરે દહિસર પોલીસ-સ્ટેશનમાં તેના મિસિંગની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના ફોન-રેકૉર્ડ પરથી અને રાજુનો નંબર આપવામાં આવતાં રાજુ ઉર્ફે રાજપ્પાને તાબામાં લેવામાં આવ્યો હતો અને તેની આકરી પૂછપરછ કરતાં તેણે કૌશિકની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેણે કહ્યું હતું કે ઝેન કારમાં જ તેણે કૌશિકનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ તેની બૉડી આદિવાસી ટીમને જંગલમાં દાટવા સોંપી દીધી હતી. બૉડી ગંધાય નહીં અને જલદીથી ગળી જાય એે માટે ૨૦ કિલો મીઠું પણ આપ્યું હતું.’

પોલીસ શું કહે છે?

પહેલાં કૌશિકના મિસિંગની ફરિયાદ લીધા બાદ તપાસ દરમ્યાન આરોપી રાજપ્પાની ધરપકડ કર્યા પછી કિડનૅપિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. એ વિશે જણાવતાં દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અન્સાર પીરઝાદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજુએ કૌશિકની બૉડી જે આદિવાસીની ટીમને સોંપી દીધી હતી એને અમે શોધી રહ્યા છીએ. અમારી કુલ પાંચ ટીમ કૌશિકના મૃતદેહને શોધવામાં લાગી છે. એ લોકો જંગલથી વાકેફ હોવાથી છુપાઈ ગયા છે, પણ અમને આશા છે કે અમે તેમને બહુ જ જલદી શોધી કાઢીશું. કૌશિકની બૉડી હજી મળી ન હોવાથી અમે અત્યારે રાજુ પર હત્યાના ઇરાદે કિડનૅપિંગનો ગુનો નોંધ્યો છે.’