થાણેમાં બીજા પ્રયાસમાં સાડાનવ થર બનાવીને જોગેશ્વરીના જય જવાન મંડળે કર્યો નવો રેકૉર્ડ?

28 August, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી સૌથી વધારે નવ થર કરવાનો રેકૉર્ડ સ્પેન અને જોગેશ્વરીના જય જવાન મંડળના નામે હતો, પણ ગઈ કાલે આ જ મંડળે થાણેમાં દસમા થરવાળો ગોવિંદા ઊભો ન થઈ શકતાં સાડાનવ થર બનાવ્યા હતા. જોકે એ નવો રેકૉર્ડ કહેવાય કે નહીં એ એક પ્રશ્ન છે.

જોગેશ્વરીના જય જવાન મંડળે ૧૦ થર બનાવવાની કોશિશ કરી હતી પણ તેઓ સાડાનવ થર જ બનાવી શક્યા હતા.

મુંબઈ સહિત રાજ્યભરમાં ગઈ કાલે જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. સવારથી જ ગોવિંદાઓ પોતપોતાની ટીમ સાથે ટ્રક, ટેમ્પો અને બાઇક પર ‘ગોવિંદા રે ગોપાળા’ કરતા નીકળી પડ્યા હતા અને અનેક નાની-મોટી મટકીઓ ફોડી હતી. મટકી ફૂટતાંની સાથે જ ડાન્સ અને ચિચિયારી પાડી, ઢોલ-નગારાં વગાડીને એની ઉજવણી થતી જોવા મળી હતી. આયોજકોએ લોકોનું મનોરંજન કરવા અલગ-અલગ આકર્ષણો રાખ્યાં હતાં જેમાં ગૌતમી પાટીલ અને રાધા પાટીલ જેવી જાણીતી નૃત્યાંગનાઓએ તેમનાં જાણીતાં લોકપ્રિય ગીતો પર ડાન્સ કરીને લોકોને ખુશ કરી દીધા હતા.  

જોગેશ્વરીના બહુ જાણીતા ‘જય જવાન મંડળ’ના ગોવિંદાઓની ટીમે આ વખતે ૧૦ થર બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ એ અચીવ કરવું મુશ્કેલ બન્યું હતું. જય જવાનના ગોવિંદાઓએ એ માટે પૂરતા પ્રયાસ કર્યા હતા. કિંગ્સ સર્કલના શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળની દહીહંડી, લોઅર પરેલના જય જવાન મિત્ર મંડળની, ઘાટકોપરના શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મંડળની, લાલબાગના બાળ ગોપાળ મિત્ર મંડળની, સંકલ્પ પ્રતિષ્ઠાનની, તારામતી ફાઉન્ડેશન માગાઠાણે-બોરીવલીની, શ્રમિક સાર્વજનિક ઉત્સવ મંડળની, ખારઘર અને થાણેના સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાનની લાખો રૂપિયાનાં ઇનામવાળીની મટકી ફોડવા અનેક ગોવિંદામંડ‍ળ પહોંચી ગયાં હતાં. તેમની ટીમે અલગ-અલગ થરના માનવપિરામિડ રચીને સલામી આપી હતી અને આયોજકોએ તેમને પ્રોત્સાહન ઇનામ આપ્યાં હતાં.    

સૌથી ઊંચો માનવથર રચવાનો વિક્રમ આમ તો સ્પેનના નામે છે, જ્યાં ૧૯૮૧માં ૯ થરના માનવપિરામિડ રચાયા હતા અને ૧૨ મીટર એટલે કે ૩૯ ફુટની ઊંચાઈ સુધી તેઓ પહોંચી શક્યા હતા. ગોવિંદામાં પણ ૯ થરનો હાઇએસ્ટ રેકૉર્ડ જોગેશ્વરીના જય જવાન મિત્ર મંડળના નામે છે જે મંડળે ૨૦૧૨માં કર્યો હતો. તેમણે ગઈ કાલે પણ સાડાનવ થર રચ્યા હતા. એ વિશે માહિતી આપતાં મંડળના પદાધિકારી રામાસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમે ગઈ કાલે થાણેના વર્તકનગરમાં સંસ્કૃતિ પ્રતિષ્ઠાનની મટકીમાં ૧૦ થર રચવાનો ત્રણ વખત પ્રયાસ કર્યો હતો, પણ એમાં બીજા પ્રયાસ વખતે અમારી ટીમનો ટૉપ પરનો ગોવિંદા ઊભો ન થઈ શક્યો, તે ઉપર જઈને બેસી શક્યો એટલે એ સાડાનવ થર કાઉન્ટ થાય છે. બીજા બે પ્રયાસમાં એ થઈ શક્યું નહોતું. અમારા છેલ્લા ૪ થરમાં સિંગલ વ્યક્તિ જ હતી જેને અમે ચાર એક્કા કહીએ છીએ. બાકી ગઈ કાલે અમે એ પહેલાં વિક્રોલીના ટાગોરનગરમાં અને ભાંડુપમાં પણ ૯ થર સફળતાપૂર્વક રચ્યા હતા.’ 

મટકી ફોડવા ચડેલા અને ઉપરથી પટકાયેલા ૧૦૬ ગોવિંદા ઈજાગ્રસ્ત

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ ગઈ કાલે દિવસભરમાં મટકી ફોડતી વખતે રાતે ૯ વાગ્યા સુધીમાં ૧૦૬ ગોવિંદા ઉપરથી નીચે પટકાઈને ઘાયલ થયા હતા. ઘાયલ ગોવિંદાઓએ સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. ૧૦૬ ગોવિંદામાંથી ૧૫ જણને હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી, જ્યારે ૧૭ ગોવિંદાઓને આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં સારવાર અપાઈ હતી. ૭૪ ગોવિંદાઓને પાટાપિંડી કરીને રજા આપી દેવામાં આવી હતી.

આ વખતે પણ હંડી અમે જ ફોડીશું : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ અને થાણેમાં રાજકીય નેતાઓના સામાજિક ફાઉન્ડેશન દ્વારા દહીહંડીનું મોટા પાયે આયોજન કરાય છે. ગઈ કાલે થાણેના સ્વામી પ્રતિષ્ઠાન, સંસ્કૃ​િત યુવા પ્રતિષ્ઠાન, ટેંભી નાકા મિત્ર મંડળ, સંકલ્પ પ્રતિષ્ઠાન, ભારતીય જનતા પાર્ટી (BJP) અને શારદા સંકલ્પ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કરાયેલી દહીહંડીમાં હાજરી આપી ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સાથે-સાથે રાજકીય ફટકાબાજી પણ કરી લીધી હતી. તેમણે ગોવિંદાઓને સંબોધતાં કહ્યું હતું કે અઢી વર્ષ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મળી અમે પાપની દહીહંડી ફોડી પુણ્યની દહીહંડી ઊંચે કરી હતી અને હવે ૨૦૨૪ની દહીહંડી પણ અમે જ ફોડીશું એમ મભમમાં કહી વિધાનસભાની ચૂંટણી અમે જ જીતીશું એવો  દાવો કર્યો હતો.

dahi handi janmashtami jogeshwari thane mumbai mumbai news