જીવ મુઠ્ઠીમાં લઈને ભણતર

24 June, 2021 08:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

દહાણુના કોસેસરી ગામના છોકરાઓ નદી પર બ્રિજ ન હોવાથી એક કિનારાથી બીજા કિનારે પહોંચવા ૬૦૦ મીટરનું અંતર જીવના જોખમે કાપે છે : આઝાદીનાં આટલા વર્ષે અહીં સુધી વિકાસ પહોંચ્યો નથી એ નીચેની તસવીર જ કહી આપે છે

નદી પાર કરીને એક કિનારાથી બીજા કિનારે સ્કૂલમાં જવા માટે વિદ્યાર્થીઓએ જીવ જોખમમાં નાખવો પડે છે

સ્કૂલના સમયમાં આપણે વાંચ્યું હશે કે પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સહિતના અનેક મહાન નેતાઓ નદી પાર કરીને સ્કૂલમાં જતા હતા. આજે સ્વતંત્રતાનાં ૭૪ વર્ષ બાદ પણ પાલઘર જિલ્લામાં દહાણુમાં આવેલા કોસેસરી ગામમાં આવું દૃશ્ય જોવા મળે છે. ત્યાં બાળકોએ સૂર્યા નદીનું આશરે ૬૦૦ મીટરનું અંતર જીવ જોખમમાં મૂકીને પસાર કરવું પડે છે. કોસાસરી ગામનાં બાળકોએ નદીના બીજા છેડે આવેલી સ્કૂલમાં ભણવા જવું પડતું હોવાથી તેમણે ગામના વડીલો સાથે મળીને લાકડાની એક બોટ તૈયાર કરી છે. જોકે આ કોઈ પ્રૉપર બોટ ન હોવાથી હલેસાથી ચાલી શકે એમ નથી. એને લીધે તેમણે નદીના એક છેડાથી બીજા છેડા સુધી એક દોરડું બાંધ્યું છે અને બોટને છોકરાઓ દોરડું પકડીને પગ વડે પ્રેશર મારીને આગળ ખસેડે છે. આ રીતે તેઓ રોજ આવવા-જવામાં નદીનું ૧૨૦૦ મીટરનું અંતર કાપે છે.

 

જીવનું જોખમ

સ્કૂલના વિદ્યાર્થીઓને ભણવામાં રસ હોવાથી તેઓ શિક્ષણ મેળવવા જીવને જોખમમાં નાખવા પણ તૈયાર થઈ ગયા છે. ૪૦ ફૂટથી પણ વધુ ઊંડાણ ધરાવતી નદીમાંથી કેવી રીતે પસાર થઈ શકાય એ સવાલનો જવાબ આપતાં દસમા ધોરણમાં ભણતા સાગર ભાવરે જણાવ્યું હતું કે ‘સ્કૂલમાં જવા અમે એક કિનારા પરથી બોટ પકડીને એમાં ચડીએ. ત્યાર બાદ એકબીજાનો હાથ પકડીને ચેઇન બનાવીને ઊભા રહીએ જેથી નદી ક્રૉસ કરતી વખતે એકબીજાનો સપોર્ટ મળી રહે. ત્યાર બાદ આશરે બે ઇંચ જાડા પ્લાસ્ટિકની રસ્સી કે દોરડું પકડી લઈએ છીએ. આ દોરડાને એક હાથથી પકડી લઈએ અને એના સહારે પગ વડે પ્રેશર મારીને બોટને સામે પાર લઈ જઈએ છીએ. નદીની વચ્ચોવચ આવી જઈએ ત્યારે ડર તો લાગે જ છે, પરંતુ કોઈ વિકલ્પ ન હોવાથી અને સ્કૂલ મિસ કરવી ન હોવાથી આ કરવું જ પડે છે.’

હાલમાં દસમા ધોરણની ઇન્ટરનલ એક્ઝામ શરૂ હોવાથી અમે સ્કૂલમાં જઈ રહ્યા છીએ એમ જણાવીને સાગરે કહ્યું હતું કે ‘બોટમાં અમે આઠ વિદ્યાર્થીઓ ઊભા રહીને પ્રવાસ કરીએ છીએ. અમે બોટમાં બેસી પણ શકતા નથી, કારણ કે એનાથી બૅલૅન્સ જતું રહે છે. સ્કૂલમાં જતી વખતે અને સ્કૂલથી ઘરે પાછા વળતી વખતે પણ આ જ રીતે આવવું પડે છે. મારી બહેન અને તેની ફ્રેન્ડ્સ તો તેમની સાથે એક જોડી કપડાં પણ રાખે છે જેથી નદીમાંથી પસાર થતાં કપડાં ભીનાં થાય તો બદલી લે છે.’

વિદ્યાર્થીઓના પેરન્ટ્સ પણ જ્યાં સુધી બાળકો ઘરે આવી ન જાય ત્યાં સુધી ચિંતામાં રહેતા હોય છે. એક પેરન્ટ્સે જણાવ્યું હતું કે ‘અમારાં બાળકો જીવ જોખમમાં મૂકીને નદી પાર કરે છે એથી તેઓ હેમખેમ સ્કૂલથી આવી જાય એની રાહ જોતા હોઈએ છીએ. અમારા કોસેસરી ગામમાં સરકારી સ્કૂલ ન હોવાથી વિદ્યાર્થીઓને કાસા કે વિક્રમગઢની સરકારી સ્કૂલમાં મોકલવા પડે છે. ભણવું જરૂરી હોવાથી જીવને પણ બાજુએ મૂકવો પડે છે એવી અમારી સ્થિતિ છે.’

બ્રિજની ડિમાન્ડ ક્યારે પૂરી થશે?

પાલઘર જિલ્લા પરિષદના સભ્ય શૈતિશ કરમોડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારાં બાળકો કે અન્ય કોઈ પણ આ રીતે અહીંથી પસાર થતું હોય ત્યારે અમારો જીવ અધ્ધર થઈ જાય છે. ૨૦૦૦ની સાલથી અહીંના સ્થાનિક લોકો બ્રિજ માટે માગણી કરી રહ્યા છે, પરંતુ એ પ્રસ્તાવ તરફ ધ્યાન અપાયું નથી. કિનારાની બીજી બાજુએ જવા માટે બાય રોડ આશરે ૨૫ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. એ માટે અમારે ખાનગી વાહન કરવું પડે છે જે પોસાય એમ નથી. એમએસઆરટીસીની બસનો કોઈ ભરોસો હોતો નથી. બ્રિજ માટે પબ્લિક વર્ક્સ ડિપાન્ટમેન્ટ (પીડબ્લ્યુડી)ને અનેક વખત કહીને અમે કંટાળી ગયા છીએ. બ્રિજનો ખર્ચ લગભગ ૬ કરોડ રૂપિયાની આસપાસ આવશે એમ છતાંય પીડબ્લ્યુડીએ આ પ્રસ્તાવને મંજૂર કર્યો નથી. પીડબ્લ્યુડી દ્વારા અનેક વખત આ જગ્યાનો સર્વે સુધ્ધાં કરાયો છે.’

દહાણુના વિધાનસભ્ય વિનોદ નિકોલે કહ્યું હતું કે ‘બ્રિજ ન હોવાને કારણે સ્થાનિક લોકોને હેરાનગતિ થઈ રહી છે. ફરી વખત આ બ્રિજના પ્રસ્તાવને હું આગામી ઍસેમ્બ્લીના સેશનમાં ઉપાડીશ અને ત્યાર બાદ બ્રિજ બનાવવાની દિશામાં કામ ચાલુ થશે એવી આશા રાખું છું.’

mumbai mumbai news dahanu preeti khuman-thakur