દાદરા અને નગર હવેલીના સંસદસભ્ય બન્યા સરકારી હેરાનગતિનો ભોગ?

23 February, 2021 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરા અને નગર હવેલીના સંસદસભ્ય બન્યા સરકારી હેરાનગતિનો ભોગ?

મોહન ડેલકરે મરીન ડ્રાઇવની સી ગ્રીન સાઉથ હોટેલમાં આત્મહત્યા કરી હતી (તસવીર: સુરેશ કરકેરા)

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી ૭ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સેલવાસમાં રહેતા મોહન સાંજીભાઈ ડેલકરનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ ગઈ કાલે બપોરે મરીન ડ્રાઇવ પર આવેલી સી ગ્રીન સાઉથ હોટેલમાંથી મળી આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. મૃતદેહનો કબજો લઈને એને જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તેમની પાસેથી ૭ પાનાંની સુસાઇડ-નોટ મળી આવી હતી. એવું કહેવાય છે કે એમાં તેમણે સરકારી અધિકારીઓ તેમને ગણકારતા નહોતા અને તેમની વચ્ચે કોલ્ડ વૉર ચાલતું હતું. અધિકારીઓના એવા વલણથી કંટાળીને આખરે તેમણે જીવન ટૂંકાવ્યું હોવાનું એમાં જણાવાયું છે. ૫૮ વર્ષના મોહન ડેલકરના પરિવારમાં પત્ની કલાબહેન, દીકરો અભિનવ અને દીકરી દિવિતાનો સમાવેશ છે.

પોલીસે જણાવ્યા અનુસાર રવિવારે રાતે જ તેમણે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. તેમની સાથે તેમનો ડ્રાઇવર અશોક પટેલ અને બૉડીગાર્ડ નંદુ હતા. ડ્રાઇવર અશોક પટેલ તેમની બાજુની જ રૂમમાં રોકાયો હતો. સવારે જ્યારે તેણે એ તેમની રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ રિસ્પૉન્સ ન મળતાં તે ગભરાયો હતો અને તેણે તરત હોટેલના સ્ટાફને જાણ કરી હતી. એટલું જ નહીં, તેણે રૂમની બહારની બીજી સાઇડ પર જઈને રૂમમાં જોયું તો મોહન ડેલકર ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. મરીન ડ્રાઇવ પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને કેસની વધુ તપાસ કોલાબાના એસીપી પાંડુરંગ શિંદેને સોંપી છે. 

એક સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ડેલકર હાઈ કોર્ટમાં ચાલી રહેલા તેમના એક કેસ સંદર્ભે મુંબઈ આવ્યા હતા, પણ એ કેસમાં કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા તેમના પર દબાણ હતું. ગયા વર્ષે મોહન ડેલકરે યુટ્યુબ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે ‘દમણ અને સેલવાસની સમસ્યાઓ, બેરાજગારી, રોજમદારી કરતા મજૂરો, આદિવાસીઓની સમસ્યાઓ અને તેમની જમીનની બાબતો વિશે પ્રશાસનમાં ઘણીબધી રજુઆતો કરી હોવા છતાં કોઈ જવાબ મળતો નહોતો એથી તેઓ વ્યથિત હતા. એટલું જ નહીં, તેમની એ રજૂઆતને કારણે સરકારી અધિકારીઓ તેમને ટાર્ગેટ કરી રહ્યા હતા. લૉકડાઉન વખતે ૫૦૦ જેટલા મજૂરો જેઓ પીડબ્લ્યુડી દ્વારા બની રહેલા રોડનું કામ કરતા હતા તેમને છૂટા કરી દેવાયા હતા. એને કારણે તેમના પરિવાર રોડ પર આવી ગયા હતા. મને ઘણા બધા ખોટા કેસમાં સંડોવવામાં આવ્યો હતો અને પોલીસ કોઈ પણ પુરાવા ન હોવા છતાં એફઆઇઆર કરીને મને ત્રાસ આપી રહ્યા હતા. મારી આદિવાસી ભવન અને આદિવાસી વિકાસ સંગઠન સંસ્થાઓના કર્મચારીઓ સામે પણ ખોટો એફઆઇઆર દાખલ કરીને તેમને પણ ત્રાસ આપવામાં આવતો હતો. મને એમ કહેવામાં આવતું હતું કે ઉપરથી ઑર્ડર છે.’

સિનિયર ઑફિસરે કહ્યું હતું કે જો આ બાબતે અમને તપાસ દરમ્યાન ચોક્કસ નામ બહાર આવશે તો અમે તેની સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરાયાનો ગુનો નોંધી કાર્યવાહી કરીશું. 

mumbai mumbai news mumbai police marine lines