મલાડના ગુજરાતી યુવાન માટે દાદરનો તિલક બ્રિજ સેકન્ડ ટાઇમ અનલકી

21 December, 2011 05:03 AM IST  | 

મલાડના ગુજરાતી યુવાન માટે દાદરનો તિલક બ્રિજ સેકન્ડ ટાઇમ અનલકી



દાદરના તિલક બ્રિજ પર ગયા શનિવારે બપોરે થયેલા અકસ્માતમાં સૌરાષ્ટ્રના ડુંગર ગામના વતની અને અત્યારે મલાડના લિબર્ટી ગાર્ડન પાસે રહેતા નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિના ૩૫ વર્ષના આશાસ્પદ યુવાન મનીષ શાંતિભાઈ ઓઝાનું મૃત્યુ થતાં જ્ઞાતિજનોમાં તેમ જ મૂળજી જેઠા માર્કેટમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ૬ મહિના પહેલાં જ તેને તિલક બ્રિજ પર અકસ્માત થયો હતો અને ડાબા હાથમાં ફ્રૅક્ચર થતાં એક મહિનો ફરજિયાત આરામ કરવો પડ્યો હતો. તેના મોટા ભાઈ રાજેશ સાથે મૂળજી જેઠા માર્કેટમાં રાજેશકુમાર મનીષકુમાર ઍન્ડ કંપનીના નામે છેલ્લાં ૨૦ વર્ષથી તેમનો કાપડનો વેપાર છે.

આઠ વર્ષ બાદ ફરી આઘાત

મનીષના કાકા હર્ષદ ઓઝાએ કહ્યું હતું કે ‘આઠ વર્ષ પહેલાં મારા ભાઈ અને મનીષના પિતા શાંતિભાઈનું મૃત્યુ થયું ત્યારે બન્ને ભાઈઓએ નાની ઉંમરે આવેલા એ આઘાતને પચાવી કાપડના વેપારને સંભાળી લેતાં મારાં ભાભી વસુમતી ઓઝાની ચિંતા દૂર કરી હતી, પણ આજે મારાં ૮૫ વર્ષનાં માતા મોંઘીબહેન માટે આ દુ:ખ જીરવવું મુશ્કેલ છે. પહેલાં દીકરો અને હવે પૌત્ર તેમની નજર સામે જ મૃત્યુ પામ્યા છે. મનીષના પરિવારમાં પત્ની કલ્પના અને ૮ વર્ષના પુત્ર નીલનો સમાવેશ છે.’

સાળીના રિસેપ્શને અકસ્માત

મનીષની સાળીનાં લગ્ન એક અઠવાડિયા પહેલાં થયાં હતાં અને રિસેપ્શન ગયા શનિવારે હતું. સવારે એક ઑર્ડર લેવા મનીષ દાદર જવાનો હતો અને તેણે ઘરમાં સૌને કહી દીધું હતું કે સાંજે ૫.૩૦ વાગ્યે તૈયાર રહેજો. હું આવીને ફટાફટ તૈયાર થઈશ, મને વાર નહીં લાગે. આમ કહી તે ૧૧ વાગ્યે મલાડથી દાદર જવા નીકળ્યો હતો. તિલક બ્રિજ પર તેનું ઍક્ટિવા સ્કૂટર એક ટ્રકની સમાંતર દોડી રહ્યું હતું અને અચાનક બપોરે ૧૨.૫૩ વાગ્યે એ સ્લિપ થતાં ટ્રકનું પાછળનું ટાયર તેના માથા પર ફરી વળ્યું હતું. તાત્કાલિક ત્યાં ફૂલ અને લીંબુ વેચતા પપ્પુ ગુપ્તા, અવિનાશ શિવાજી વાયલ અને અનિલ વિભૂતે તેને ટૅક્સીમાં કેઈએમ હૉસ્પિટલમાં લઈ ગયા હતા; પણ મનીષને બચાવી શકાયો નહોતો.

જે થાય એ જોયું જશે

૬ મહિના પહેલાં જ મનીષને તિલક બ્રિજ પર અકસ્માત થયો હતો ત્યારે હર્ષદભાઈની દીકરીએ તેને કહ્યું હતું કે મનીષભાઈ, તમે ટૂ-વ્હીલરને બદલે ફોર-વ્હીલર ખરીદી શકો એમ છો તો કેમ કાર નથી લેતા? ત્યારે મનીષે કહ્યું હતું કે હમણાં તો બચી ગયોને, હવે જે થાય એ જોયું જશે.

મોટા ઑર્ડરની આશા

શુક્રવારે રાત્રે મનીષ અને પરિવારના અન્ય સભ્યોએ મોડે સુધી કાપડનાં સેમ્પલ પૅક કર્યા હતાં. તેનાં ભાભી સોનલે કહ્યું હતું કે મનીષભાઈ, મોડે સુધી કામ કરાવો છો તો ઑર્ડર પણ મોટો લાવજો. સોનલબહેનની આંખમાંથી આંસુ સુકાતાં નથી. તેઓ કહે છે કે મેં શા માટે કહ્યું કે મોટો ઑર્ડર લાવજો, મને ઑર્ડર નથી જોઈતો.

સમાજની ક્રિકેટટીમનો સ્પૉન્સર

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિની ગયા વરસે યોજાયેલી ક્રિકેટમૅચમાં મનીષે એક ટીમની સ્પૉન્સરશિપ લઈ એનો બધો ખર્ચ ઉપાડી લીધો હતો. એ ટીમ વતી રમીને તેણે સ્પર્ધા જીતી લીધી હતી.

ફેરિયાઓની માનવતા

દાદરના તિલક બ્રિજ પરના ફેરિયાઓ મનીષને લઈને કેઈએમ હૉસ્પિટલમાં ગયા ત્યારે તેમની સાથે દસથી પંદર હજાર રૂપિયા લઈને ગયા હતા. ઓઝાપરિવારે ફેરિયાઓએ હૉસ્પિટલમાં ચૂકવેલા પૈસા તેમને આપવાની કોશિશ કરી ત્યારે  ફેરિયાઓએ કહ્યું હતું કે અમને તો તે યુવાન બચી જાય એ જોઈતું હતું, અમને એક યુવાનના જીવને બચાવવાનો જશ જોઈતો હતો. સાંજે મૃતદેહ મળ્યો ત્યાં સુધી આ ફેરિયાઓ ઓઝાપરિવાર સાથે રહ્યા હતા અને મનીષનું પર્સ, મોબાઇલ, સોનાની ચેઇન અને પેન્ડન્ટ સાચવીને પાછાં આપ્યાં હતાં.