વાડિયા હૉસ્પિટલમાંથી ગુમ બાળકના પિતા તરફ શંકાની સોય

21 November, 2012 06:00 AM IST  | 

વાડિયા હૉસ્પિટલમાંથી ગુમ બાળકના પિતા તરફ શંકાની સોય



૨૪ ઑક્ટોબરે વાડિયા હૉસ્પિટલમાંથી ગુમ થયેલા નવજાત બાળકના કેસમાં ભોઈવાડા પોલીસ હવે આ બાળકના પિતાની આકરી પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ બાળકનો પિતા પોલીસથી કંઈક છુપાવી રહ્યો છે અને આ બાળકની ચોરી પાછળ પણ તેનો જ હાથ હોવો જોઈએ.

ગુમ થયેલા બાળકના પિતા દેવીદાસ નાઈકે પોલીસને અગાઉ કહ્યું હતું કે તે દુબઈથી તેની પત્ની જાસ્મિન અને તેના બાળક સાથે મુંબઈમાં રહેવા આવ્યો હતો, જ્યારે ભોઈવાડા પોલીસ-સ્ટેશનના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે દેવીદાસ દુબઈમાં ડ્રાઇવરનું કામ કરતો હતો અને રિલેટિવ સાથે તેનો ઝઘડો થવાથી તે મુંબઈમાં આવી ગયો હતો.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દુબઈથી મુંબઈમાં આવ્યા બાદ અને પહેલાં પણ દેવીદાસ સતત ચારકોપ વિસ્તારમાં રહેતી એક મહિલાના સંપર્કમાં રહેતો હતો. આ સંદર્ભે પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘દેવીદાસ તેની પત્નીને ઓછા અને ચારકોપમાં રહેતી મહિલાને વધુ ફોન કરતો હતો. અમે આ મહિલા સાથે એક વખત વાત કરી હતી; પણ દેવીદાસ સાથે વાત કરવી અમારા માટે ઘણું મુશ્કેલ છે, કારણ કે અમે તેની સાથે વાત કરવા જઈએ છીએ ત્યારે તે અમને આત્મહત્યા કરવાની ધમકી આપે છે.’

દેવીદાસની પત્ની જાસ્મિને હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો ત્યારે દેવીદાસે તેને કહ્યું હતું કે તેને બાળક નહીં પણ બાળકી જોઈતી હતી. જો દેવીદાસ તેની પત્નીને ખરેખર ઘણો પ્રેમ કરતો હતો તો પછી તેની પત્ની એક મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેને છોડીને દુબઈ શા માટે ચાલી ગયો હતો? આ સંદર્ભે પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આવા સમયે જાસ્મિનને દેવદાસની વધુ જરૂર હતી, પણ એ સમયે તે તેની સાથે નહોતો. જોકે મુંબઈમાં આવવાનું કારણ પણ તેણે ખોટું આપ્યું હતું અને ઝઘડો થયો હોવાથી ફક્ત ત્રણ મહિનામાં જ તે પાછો આવી ગયો હતો.’

દેવીદાસે તેના બાળકને શોધી આપનાર વ્યક્તિને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું છે. જો દેવીદાસ પાસે ઘણા રૂપિયા છે તો શા માટે તેની પત્નીને વાડિયા જેવી હૉસ્પિટલમાં રાખી છે અને શા માટે તેને તેના ગોરાઈના ઘર પાસેની કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ નથી કરતો?

ચોરી થયેલા બાળકના અન્કલ અભિષેક મહાપાનકરે કહ્યું હતું કે ‘અમારી પૂછપરછ કરવામાં આવી હતી. અમે અમારું જ બાળક શા માટે ચોરી કરીએ અને દેવીદાસ જે મહિલા સાથે સંપર્કમાં હતો તે તેની બહેન છે.’

દેવીદાસે કહ્યું હતું કે મેં જ મારા બાળકની ચોરી કરી છે અને હું હૉસ્પિટલની બહાર ૨૦ ડિસેમ્બરથી ધરણાં પર બેસવાનો પ્લાન બનાવી રહ્યો છું એ ખબર તદ્દન ખોટા છે. ભોઈવાડા ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ-કમિશનર આર. બી. પોમને કહ્યું હતું કે આ કેસ ઘણો સંવેદનશીલ છે અને બાળકના પિતાની પણ સંડોવણી સહિત ઘણી સાવચેતીપૂર્વક અમે દરેક ઍન્ગલથી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.