સાયરસ મિસ્ત્રીના ઍક્સિડન્ટ માટે હાઇવે તંત્ર છે જવાબદાર

22 September, 2022 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચમી સપ્ટેમ્બરની ઘટનાના પોલીસના રિપોર્ટમાં રસ્તો સાંકડો થઈ રહ્યો હોવાનાં સાઇન બોર્ડ ન મૂક્યાં હોવાનું જણાયું

ફાઇલ તસવીર

બિઝનેસ ટાયકૂન અને તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું પાંચમી સપ્ટેમ્બરે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ઉદવાડાથી મુંબઈ આવતી વખતે કાર-ઍક્સિડન્ટમાં થયું હતું. સૂર્યા નદી પરના બ્રિજના ડિવાઇડર સાથે મર્સિડીઝ કાર અથડાવાથી આ દુર્ઘટના બની હતી. પોલીસે આ મામલે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે હાઇવે ત્રણમાંથી બે લાઇનનો થઈ રહ્યો હોવાનાં સાઇન બોર્ડ ન મૂક્યાં હોવાથી કાર ચલાવી રહેલા અનાહિતા પંડોલ મૂંઝવણમાં મુકાયાં હોવાથી ઍક્સિડન્ટ થયો હતો. આથી આ ઘટના માટે હાઇવે તંત્રને જવાબદાર ગણાવી શકાય.

કાસા પોલીસે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર મુંબઈ તરફની લાઇનમાં સૂર્યા નદી પરના પુલ પાસે સળંગ રસ્તો બે ભાગમાં ડિવાઇડ થઈ જાય છે. આ બાબતનાં સાઇન બોર્ડ હાઇવે પર મૂકવામાં ન આવ્યાં હોવાથી ઝડપથી કાર ચલાવી રહેલાં અનાહિત પંડોલને આગળના રસ્તાનો અંદાજ નહોતો આવ્યો અને તેમની કાર બ્રિજના ડિવાઇડર સાથે અથડાઈ હતી. ઘટનાસ્થળથી ગુજરાત તરફ ૧૦૦ મીટરમાં હાઇવે ઑથોરિટીએ રસ્તો સાંકડો છે કે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે એ વાહનચાલકો જાણી શકે એ માટેનાં સાઇન બોર્ડ મૂકવાં જરૂરી છે. બીજું, રસ્તાના ડિવાઇડર અને પુલની ઉપર પીળા રંગનાં બ્લિન્કર્સ પણ નથી મૂકવામાં આવ્યાં.

અકસ્માતના સ્થળેથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ‘ગો સ્લો’નું સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું હતું, જ્યારે હકીકતમાં અહીં આગળના ભાગમાં મેઇન હાઇવે ત્રણ અને બે લાઇનમાં ડિવાઇડ થઈ રહ્યો હોવાનું બોર્ડ હોવું જોઈએ. નિષ્ણાતોના મતે સ્પીડ માટેનું સાઇન બોર્ડ ઓછામાં ઓછા ૨૦૦ મીટરના અંતરે હોવું જોઈએ જેથી ડ્રાઇવર સાઇન બોર્ડ જોઈને વાહનને સમયસર બ્રેક મારીને સ્પીડ લિમિટમાં કરી કે.

પોલીસના આ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે હાઇવે ઑથોરિટીએ લોકોના જીવ જોખમમાં ન મુકાય એ માટેના હાઇવેના નિયમોનું બરાબર પાલન નથી કર્યું એટલે કારનો ઍક્સિડન્ટ થવાથી સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલનું મૃત્યુ થયું હતું અને ડૉ. અનાહિતા અને દરિયાસ પંડોલ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ ઍક્સિડન્ટ પાંચ સપ્ટેમ્બરે બપોરના ૨.૪૫ વાગ્યે થયો હતો.

mumbai mumbai news western express highway