Cyclone Nisarga: પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

03 June, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Cyclone Nisarga: પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

પ્રતીકાત્મક તસવીર

ચક્રવાતી વાવઝોડા 'નિસર્ગના' પગલે ભારેથી અતિભારે વરસાદ અને જોરદાર પવન ફુંકાવવાની પાર્શ્ચભૂમિ પર મુંબઈના પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને સુરક્ષિત વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. જેથી તેઓને કોઈ મુશ્કેલી ન પડે, તેમ બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયની ઈમરજન્સી રિસપોન્સ ટીમને એલર્ટ પર રાખવામાં આવી જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

શહેરમાં વરસાદ પડી રહ્યો હોવાથી ભાયખલા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ પ્રાણીઓની સુરક્ષા માટે અને ઝાડને થતા નુકસાનને ટાળવા માટે તમામ પગલાં લઈ રહ્યાં છે. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, માંસાહારી પ્રાણીઓ વાધ, ચિત્તા અને હાયનાને હોલ્ડિંગ વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. હોલ્ડિંગ વિસ્તારમાં ઝાડ પડવાનો કે એવો કોઈ ડર નથી. કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તેના પર કાબુ મેળવવા માટે પશુપાલકો, માળી, ઝાડ કાપનારા અને સુરક્ષા કર્મચારીઓ સહિત 20 લોકોની ટીમ તૈયાર રાખવામાં આવી છે.

પ્રાણી સંગ્રહાલયમાં લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરા દ્વારા પ્રાણીઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સંગ્રહાલયમાં બે વિસ્તાર છે. એક હોલ્ડિંગ એરિયા અને બીજો પ્રદર્શન વિસ્તાર. સવારે પ્રાણી સંગ્રહાલય શરૂ થાય તે પહેલા પ્રાણીઓ હોલ્ડિંગ વિસ્તારમાં હોય છે. જ્યાં તેમને ખાવાનું આપવામાં આવે છે અને તેમની સાર સંભાળ પણ કરવામાં આવે છે.

mumbai mumbai news byculla byculla zoo