02 November, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઐરોલીમાં આવેલી એક નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની (NBFC) પર થયેલા સાઇબર અટૅકને પગલે કંપનીએ આશરે ૮.૯૩ કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. હૅકરે કંપનીની સિસ્ટમ હૅક કરીને ૪૩૮ ગેરકાયદે ટ્રાન્ઝૅક્શન કરીને ફક્ત ૪ કલાકમાં ૮.૯૩ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના ૨૮ ઑક્ટોબરે બુધવારે બની હોવાનું સાઇબર પોલીસે જણાવ્યું હતું.
આ મામલે ૩૦ ઑક્ટોબરે નવી મુંબઈ સાઇબર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંપનીના સેક્રેટરીએ નોંધાવેલી ફરિયાદના આધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. એ પછી બેનિફિશિયરી (લાભાર્થી)ઓનાં અકાઉન્ટ્સ ફ્રીઝ કરીને ૪૦ લાખ રૂપિયા સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા.
નવી મુંબઈ સાઇબર પોલીસે આપેલી માહિતી અનુસાર આ સાઇબર અટૅક માયરે અસેટ ફાઇનૅન્સ સર્વિસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ પર ૨૮ ઑક્ટોબરે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા દરમ્યાન થયો હતો. હૅકર કંપનીની લોન ઓરિજિનેટિંગ સિસ્ટમ (LOS)ના ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API)માં ઘૂસવામાં સફળ થયો હતો અને કંપનીના બિઝનેસ પાર્ટનર કિશ્તની ઓળખ વાપરીને, તેના પ્રોડક્ટ કોડનો ઉપયોગ કરીને પૈસા પડાવ્યા હતા.
પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.