05 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સાઇબર વિભાગે મદદ કરતાં ડિજિટલ સૉલ્યુશન પ્રોવાઇડ કરતી કંપનીના ભૂલથી બીજા અકાઉન્ટમાં જમા કરાવાયેલા ૧.૫૯ કરોડ રૂપિયા પાછા મળ્યા હતા. મૂળમાં કંપનીએ ૧,૫૯,૦૧,૫૫૦ રૂપિયા રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) મારફત અન્ય પાર્ટીને આપવાના હતા. ડિસેમ્બર ૨૦૨૪માં એ ટ્રાન્ઝૅક્શન કરતી વખતે થયેલી કંપનીના કર્મચારીની હ્યુમન એરરના કારણે એ પૈસા અન્ય કોઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે ચોંકી ઊઠેલી કંપનીએ તપાસ કરતાં એ ભૂલ પકડાઈ હતી અને એથી આ બાબતે તેમણે પોતાની બૅન્કનો સંપર્ક સાધ્યો હતો, પણ ત્યાંથી કોઈ મદદ મળી શકી નહોતી. એથી તેમણે તરત જ નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ કરી હતી.
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સાઇબર વિભાગના સિનિયર પોલીસ ઑફિસરે કહ્યું હતું કે ‘તેમણે સમયસર કરેલી ફરિયાદને કારણે અમે એ રકમ જમા થયેલા અકાઉન્ટમાંથી ઉપાડી લેવાય કે બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાય એ પહેલાં જ બૅન્કનો સંપર્ક સાધી ફ્રીઝ કરાવી દીધી હતી. એ પછી કોર્ટ કાર્યવાહી કરી હવે એ રકમ મૂળ કંપનીને પાછી આપવામાં આવી છે.’