સુસાઇડ બચાવી રહી છે સાઇબર પોલીસની સમયસૂચકતા

19 February, 2021 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસાઇડ બચાવી રહી છે સાઇબર પોલીસની સમયસૂચકતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સાઇબર પોલીસે આ અઠવાડિયે આત્મહત્યા કરવા જઈ રહેલા બે લોકોને બચાવી લીધા હતા. તેમણે માનસિક ત્રાસ અને આત્મહત્યાના વલણને દર્શાવતી તેમની પોસ્ટ્સ સોશ્યલ મીડિયા પર અપલોડ કરી હતી, જે સાઇબર પોલીસની નજરમાં આવી જતાં તે તરત જ ઍક્શનમાં આવી અને તેમને બચાવવામાં સફળ થઈ હતી. એ સાથે સોશ્યલ મીડિયાની પોસ્ટ્સના આધારે મુંબઈ સાઇબર પોલીસે છેલ્લા છ મહિનામાં આત્મહત્યાના કુલ નવ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ‘૧૬ ફેબ્રુઆરીએ એક યુવકે શિવાજી પાર્ક પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેણે આપઘાત કરવાનો વિચાર કરી રહેલી એક વ્યક્તિની ફેસબુક ચેતવણી વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ શિવાજી પાર્ક પોલીસે મુંબઈ સાઇબર ઑફિસ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે ચેતવણી આપી હતી અને તેમણે તરત કાર્યવાહી કરી હતી. બોરીવલીમાં ત્રાસી ગયેલા યુવકને ઇન્ટરનેટ પ્રોટોકૉલ (આઇપી) ઍડ્રેસનો ઉપયોગ કરીને પોલીસે શોધી કાઢ્યો હતો. યુવક કૉમર્સનો સ્ટુડન્ટ છે. તેના પિતાનું તાજેતરમાં મૃત્યુ થયું છે, જ્યારે તેની માતાનું મૃત્યુ થોડાં વર્ષો પહેલાં થયું હતું અને તેને તેની સાવકી માતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. સતત દબાણ અને અપમાનથી કંટાળીને યુવાને પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું. એવી જ રીતે સાઇબર પોલીસે અમરાવતીસ્થિત ૧૬ વર્ષના કિશોરને પણ આત્મહત્યા કરતાં બચાવી લીધો હતો. તે ૧૨માની પરીક્ષામાં નાપાસ થવાની ચિંતામાં હતો.’

સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ગોવિંદકરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનેક લોકો હાલની પરિસ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય લેતા હોય છે. એમાં તેઓ સોશ્યલ મીડિયા પર મેસેજ વાઇરલ કરતા હોવાથી અમારી સાઇબર ટીમ ૨૪ કલાક સોશ્યલ મીડિયા પર આવતી પોસ્ટ્સ પર દેખરેખ રાખતી હોય છે. તેમની પાસે આવી કોઈ પણ માહિતી આવે ત્યારે તેઓ તરત આઇપી ઍડ્રેસ કાઢી સ્થાનિક પોલીસની મદદ લઈને તેમને બચાવવામાં સફળ થાય છે.’

mumbai mumbai news