સાઇબર ક્રાઇમના ગઠિયાઓએ સિનિયર પોલીસ-ઑફિસરને પણ ન છોડ્યા

15 February, 2021 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇબર ક્રાઇમના ગઠિયાઓએ સિનિયર પોલીસ-ઑફિસરને પણ ન છોડ્યા

સામાન્ય જનતા તો સાઇબર છેતરપિંડીથી પરેશાન હતી જ, પણ હાલમાં મહારાષ્ટ્રના એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીના નામે બોગસ ફેસબુક પ્રોફાઇલ બનાવીને લોકો પાસે પૈસાની માગણી કરવામાં આવી હતી. આ મામલે મહારાષ્ટ્ર સાઇબર ટીમ તપાસમાં લાગી ગઈ છે. સાથે આઇપીએસ અધિકારીએ પણ લોકોને સજાગ રહેવાની અપીલ કરી છે.

શુક્રવારે સાઇબર ફ્રૉડ કરનારે મહારાષ્ટ્રના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)ના ઍડિશનલ ડિરેક્ટર જનરલ વિનોયકુમાર ચૌબેની બનાવટી ફેસબુક પ્રોફાઇલ બનાવીને તેમને ઓળખતા મિત્રો, સંબંધીઓ, પોલીસકર્મીઓ, પત્રકારો ઉપરાંત અન્ય લોકોને બનાવટી ખાતામાંથી ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી હતી. જે અકાઉન્ટથી લોકોને રિક્વેસ્ટ આવી હતી એના ડીપી (ડિસ્પ્લે પિક્ચર)માં વિનોયકુમાર ચૌબેનો ફોટો પણ જોવા મળ્યો હતો. એથી કેટલાક લોકોએ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી હતી. ત્યાર બાદ છેતરપિંડી કરનારાએ તેમને પૈસાની માગણી કરતા સંદેશા મોકલ્યા હતા. આઠ લોકોને પૈસાની માગણી કરતો મેસેજ મળ્યો હતો.

સાઇબર અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે સિનિયર અધિકારીને આ વિશે જાણ થતાં તેમણે મહારાષ્ટ્ર સાઇબર સેલને આની તપાસ કરવાની સૂચના આપવા સાથે બોગસ અકાઉન્ટ ડી-ઍક્ટિવેટ કરવાનો આદેશ આપ્યો હતો. મેસેજમાં કેટલાક લોકો પાસે ૨૦થી ૨૫ હજાર રૂપિયા સુધીની માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

કોઈ ફ્રેન્ડ-રિક્વેસ્ટને સ્વીકારશો નહીં

વિનોયકુમાર ચૌબેએ ટ્વીટ કરીને લોકોને કહ્યું હતું કે ‘કોઈએ મારા નામ અને ફોટોગ્રાફ સાથે બનાવટી ફેસબુક અકાઉન્ટ બનાવ્યું છે. તે વ્યક્તિ કેટલાક નકામા હેતુઓ સાથે આ બનાવટી ખાતામાંથી મિત્રોને વિનંતીઓ મોકલી રહ્યો છે. કૃપા કરીને આવી કોઈ ફ્રેન્ડ-રિક્વેસ્ટને સ્વીકારશો નહીં. સાઇબર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.’

mumbai mumbai news