કૂપન વૅલિડેટિંગ મશીનો દૂર થશે

01 December, 2011 05:39 AM IST  | 

કૂપન વૅલિડેટિંગ મશીનો દૂર થશે



(અંકિતા શાહ)

મુંબઈ, તા. ૧

લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવા ટિકિટ કઢાવવા માટે બુકિંગ ઑફિસ પાસે લાંબીલચક લાઇનમાં ઊભા રહેવું ન પડે અને ટાઇમ બચાવવા માટે પ્રવાસીઓ કૂપન પંચ કરી લેતા હોય છે, પરંતુ રેલવે સત્તાવાળાઓ હવે આ સિસ્ટમ બંધ કરવાના છે. માર્ચ ૨૦૧૨ના અંતમાં કૂપન વૅલિડેટિંગ મશીન (સીવીએમ) ઇતિહાસ બની જશે. એપ્રિલ-૨૦૧૨થી પ્રવાસીઓ બુકિંગ ઑફિસમાંથી અથવા તો સ્માર્ટ કાર્ડની મદદથી રેલવેની ટિકિટ કઢાવી શકશે.

સ્માર્ટ કાર્ડની મદદથી એટીવીએમ (ઑટોમૅટિક ટિકિટ વૅલિડેટિંગ મશીન) દ્વારા ટિકિટ કઢાવવામાં વધારો થાય એ માટે રેલવે-પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૩ નવેમ્બરે રેલવે બોર્ડ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સીવીએમ બંધ કરવાની સૂચના વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે સહિત દરેક વિભાગને આપવામાં આવી હતી.

લાઇનમાં વધારો થશે

હાલમાં બુકિંગ ઑફિસમાં જે ટિકિટ કઢાવવા માટે લાઇન લાગતી હોય છે એમાં સીવીએમ બંધ કરવામાં આવશે તો વધારો થશે.

તબક્કાવાર દૂર થશે

વેસ્ટર્ન રેલવે આ સીવીએમ તબક્કાવાર ચર્ચગેટથી વિરાર દરમ્યાન દૂર કરવાની છે, પરંતુ વેસ્ટર્ન રેલવેએ રેલવે બોર્ડને લેટર લખીને આ બાબતે ફરી વિચાર કરવા જણાવ્યું છે. સીવીએમ અને એટીવીએમ બે અલગ-અલગ રીતમાં પણ ટિકિટના વેચાણમાં ઘણો ફરક છે. લોકો સીવીએમનો વધુ ઉપયોગ કરે છે. ૧૫ ટકા લોકો સીવીએમ, આઠ ટકા લોકો એટીવીએમ અને બાકીના યુટીએસ (અનરિઝવ્ર્ડ ટિકિટિંગ સિસ્ટમ) એટલે કે બુકિંગ ઑફિસનો ઉપયોગ કરતા હોય છે. દરરોજ એક લાખ પૅસેન્જરો સીવીએમ અને એટીવીએમનો વપરાશ કરે છે.

કઈ રીતે સમય બચતો હતો?

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં હાલમાં ૫૦૦થી પણ વધુ સીવીએમ લગાવવામાં આવ્યાં છે. સબર્બન સ્ટેશનો પર ૩૦, ૪૦ અને ૫૦ રૂપિયાની સીવીએમ કૂપનો મળતી હોય છે. આ કૂપન સીવીએમ મશીનની મદદથી પંચ કરવાની હોય છે. આ સિસ્ટમથી પ્રવાસીઓનો સૌથી ઓછો સમય બગડતો હોય છે.