ઘેરબેઠાં જૂની કરન્સી બદલી આપવાની જાહેરાત આપનારો પકડાયો

30 December, 2016 07:02 AM IST  | 

ઘેરબેઠાં જૂની કરન્સી બદલી આપવાની જાહેરાત આપનારો પકડાયો

સૂરજ ઓઝા

સરકારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યા બાદ જૂની ચલણી નોટોને ઓછા કમિશન પર નવી ચલણી નોટો સાથે બદલી આપવાની મરાઠી ન્યુઝપેપરમાં જાહેરાત આપનારા કોલ્હાપુરના ૪૪ વર્ષના સરફરાઝ બાદશાહ મુલાની ઉર્ફે‍ ડેનિશ બાદશાહ મેનનની આંબોલી પોલીસે ધરપકડ કરી છે. એક અગ્રણી મરાઠી દૈનિકે ૧૪થી ૧૬ ડિસેમ્બર સુધી આવી જાહેરાત એની સોલાપુર એડિશનમાં છાપી હતી. ‘મિડ-ડે’એ ૧૮ ડિસેમ્બરના અંકમાં આવી જાહેરાત આપીને ગોલમાલ થઈ રહી હોવાનો અહેવાલ છાપ્યો હતો.

આ જાહેરાત વિશે મુંબઈના એક સામાજિક કાર્યકરે ૧૬ ડિસેમ્બરે પોલીસને ટ્વિટર મારફત ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે અજાણ્યા માણસ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપીએ આ જાહેરાત માટે ન્યુઝપેપરને ૭૯૦ રૂપિયા ચૂકવ્યા હતા. જાહેરાતમાં આપેલા મોબાઇલ-નંબર અને અન્ય માહિતીના આધારે તેની ધરપકડ થઈ હતી.

આરોપી સાથે કેટલા લોકો સંકળાયેલા છે એની પોલીસ તપાસ કરી રહી છે અને તેણે કેટલી જૂની નોટો બદલી આપી અને નવી નોટો ક્યાંથી લાવતો હતો એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.