સીએસટી સ્ટેશને લોકલ ખડી પડવાની ત્રીજી ઘટના

22 December, 2011 04:12 AM IST  | 

સીએસટી સ્ટેશને લોકલ ખડી પડવાની ત્રીજી ઘટના


સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ) સ્ટેશનથી પ્લૅટફૉર્મ નંબર સાત પરથી ઊપડેલી અને કલ્યાણ જઈ રહેલી ફાસ્ટ લોકલ ટ્રેનનો મોટરમૅનની કૅબિનથી છઠ્ઠો ડબ્બો મસ્જિદ સ્ટેશન પાસે ગઈ કાલે સવારે ૮.૪૨ વાગ્યે ટ્રૅક પરથી ખડી પડ્યો હતો. આને કારણે લોકલ ટ્રેનો એક કલાક મોડી દોડી રહી હોવાથી અને ૧૦૦ જેટલી સર્વિસ કૅન્સલ પણ કરવામાં આવી હોવાથી પ્રવાસીઓ હેરાન થઈ ગયા હતા. ગયા વર્ષે બે ટ્રેનના ડબ્બા સીએસટીના પ્લૅટફૉર્મ નંબર ૬ પાસે ટ્રૅક પરથી ખડી પડ્યા હતા.


પ્રવાસીઓને હેરાનગતિ
આને કારણે ગઈ કાલે સવારે અને સાંજે પીક-અવર્સ દરમ્યાન પ્રવાસીઓએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસીઓએ ટ્રેનમાંથી ઊતરીને ચાલીને સીએસટી તરફ જવું પડ્યું હતું. સીએસટી આવતી લોકલ સર્વિસ અડધોથી બે કલાક મોડી દોડી રહી હતી અને એની અસર સાંજ સુધી રહી હતી.


પીક-અવર્સ દરમ્યાન ટ્રેનો લેટ દોડી રહી હોવાથી કામ પતાવીને ઘરે જઈ રહેલા પ્રવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. સીએસટી આવતી મેલ/એક્સપ્રેસ ટ્રેનોને પણ આની અસર થઈ હતી અને એ પણ મોડી દોડી રહી હતી. ગઈ કાલે સાંજ સુધીમાં ૯૫થી વધુ સર્વિસ કૅન્સલ કરવામાં આવી હતી, જ્યારે ૩૧થી વધુ સર્વિસ સીએસટીથી ભાયખલા વચ્ચે ફાસ્ટ ટ્રૅક પરથી સ્લો ટ્રૅક પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ખડી પડ્યા પછી ટ્રેન ૫૦ મીટર સુધી આગળ ઘસડાઈ હતી. ત્યાર બાદ ટ્રેનને ઊભી રાખવામાં આવી હતી. ટ્રેન ટ્રૅક પરથી ઊતરી જવાના કારણની રેલવે તપાસ કરી રહી છે. રેલવે સેફ્ટીના કમિશનર અને સેન્ટ્રલ સર્કલ દ્વારા આ ઘટના બાબતે ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે.


બે પ્લૅટફૉર્મ બંધ કરાયાં

સીએસટી સ્ટેશનનું સાત અને આઠ નંબરનું પ્લૅટફૉર્મ આને કારણે બંધ કરવામાં આવ્યું હતું અને અહીંથી ટ્રેનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ટ્રેનનો ડબ્બો ટ્રૅક પરથી ઊતરી જવાને કારણે ફાસ્ટ લાઇનનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો અને લોકલ ટ્રેનોનું બન્ચિંગ થઈ ગયું હતું. બધી ફાસ્ટ લાઇનની સર્વિસને સીએસટીથી ભાયખલા વચ્ચે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. ૧૧ વાગ્યા સુધીમાં લોકલ ટ્રેનનો આગળનો ભાગ હટાવી લેવામાં આવ્યો હતો. ઍક્સિડન્ટ રિલીફ ટ્રેન અને સિનિયર અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સમારકામ શરૂ કર્યું હતું. ગઈ કાલે સાંજે ટ્રૅક પરથી ઊતરી ગયેલા ડબ્બાને હટાવીને યાર્ડમાં લઈ જવામાં આવ્યો હતો.
ગઈ કાલે સવારે કલ્યાણથી સીએસટી તરફ આવી રહેલા લોકોને ત્રણ કલાક લાગ્યા હતા. આને કારણે ૧૦૦ જેટલી ટ્રેન-સર્વિસ કૅન્સલ કરવામાં આવી હતી.


ઈજાગ્રસ્તને વળતર

આ ઘટનામાં ૪૨ વર્ષના પૅસેન્જર શ્રી બુદ્ધિરામને જમણા પગમાં ઈજા થઈ હતી અને તેને રેલવે તરફથી પાંચ હજાર રૂપિયા એક્સ-ગ્રેશિયા આપવામાં આવ્યા હતા. તેને સારવાર માટે છત્રપતિ શિવાજી ટર્મિનસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.