એમાં મસાજ, ફિઝિયોથેરપી, હેરડ્રેસિંગ, શેવિંગ, ફેશ્યલ જેવી સર્વિસ લોકોને મળશે

25 March, 2022 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં મસાજ, ફિઝિયોથેરપી, હેરડ્રેસિંગ, શેવિંગ, ફેશ્યલ જેવી સર્વિસ લોકોને મળશે

સીએસએમટી પર શરૂ કરવામાં આવેલી અનોખી સુવિધા

ઑફિસે જતી કે આવતી વખતે કોઈ પ્રોગ્રામમાં જવું હોય તો આપણે સીધા ઘરે જઈએ છીએ અને પછી તૈયાર થઈને નીકળતા હોઈએ છીએ. જોકે સ્ટેશનના પરિસરમાં જ તૈયાર થવાની સુવિધા મળે તો કેવી રાહત થાય! હા, સેન્ટ્રલ રેલવેના મુંબઈ વિભાગે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે નૉન-ફેર રેવન્યુ હેઠળ પ્રથમ વખત ‘વ્યક્તિગત સંભાળ કેન્દ્રો’ એટલે કે પર્સનલ કૅર સેન્ટરની શરૂઆત કરી છે. એ હેઠળ આ સુવિધા પ્રવાસીઓને મળી રહેશે.

ભારતીય રેલવેના તમામ ઝોનમાં નૉન-ફેર રેવન્યુમાં સેન્ટ્રલ રેલવે નંબર વન રહેવાનું ગૌરવ ધરાવે છે. પહેલી એપ્રિલ ૨૦૨૧થી ૨૦ માર્ચ ૨૦૨૨ના સમયગાળા દરમિયાન એની આવક ૨૮.૮૮ કરોડ રૂપિયા થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમ્યાન પ્રાપ્ત થયેલી આવક કરતાં ૩૮ ટકા વધુ છે. નૉન-ફેર રેવન્યુ સંદર્ભમાં મુંબઈ વિભાગ ૨૧.૯૬ કરોડ રૂપિયા સાથે આગળ છે.

નવી શરૂ કરાયેલી સુવિધા દ્વારા રેલવેને પાંચ વર્ષમાં ૭૫ લાખની આવક ઊભી થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર પર્સનલ કૅર સેન્ટરના બાંધકામ, સંચાલન, જાળવણી માટેનો કૉન્ટ્રૅક્ટ પાંચ વર્ષના સમયગાળા માટે છે અને એ પ્રમાણે એક વર્ષના ૧૪,૭૭,૦૦૦ રૂપિયા થશે. 

કઈ સુવિધા મળશે?
સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નવા કન્સેપ્ટ હેઠળ લાઇસન્સધારકને અંગત સંભાળની વસ્તુઓ જેમ કે ઇમર્જન્સી, જેનેરિક અને આયુર્વેદિક દવાઓ, સૌંદર્ય અને કૉસ્મેટિક પ્રોડક્ટ્સ વગેરે વેચવાની મંજૂરી આપવામાં આવશે તેમ જ બૉડીમસાજ-ચૅર દ્વારા મસાજની સુવિધાઓ, ક્વૉલિફાઇડ ફિઝિયોથેરપિસ્ટ દ્વારા ફિઝિયોથેરપી, સલૂન સર્વિસ જેમ કે હેરડ્રેસિંગ, શેવિંગ, ફેશ્યલ વગેરે વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે. નૉન-ફેર રેવન્યુ હેઠળ આવી ઘણી પહેલ કરવામાં આવી રહી છે, જેનાથી મુસાફરોને ફાયદો થશે અને રેલવેને આવક થશે.’

mumbai mumbai news chhatrapati shivaji terminus