Cruise drugs case: સમીર વાનખેડેએ ખંડણીના કથિત આરોપ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા

25 October, 2021 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એન્ટી ડ્રગ્સ એજન્સી અને વાનખેડેએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે આ કેસમાં અવરોધો ઊભા કરવા અને તપાસમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે.

NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે. ફાઇલ તસવીર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને તેના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ક્રૂઝ ડ્રગ્સ જપ્તી કેસમાં તેમની સામે લગાવવામાં આવેલા ખંડણીના આરોપો સામે સોમવારે વિશેષ કોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ આરોપી છે.
એન્ટી ડ્રગ્સ એજન્સી અને વાનખેડેએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે આ કેસમાં અવરોધો ઊભા કરવા અને તપાસમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે.
NCBએ તેના સોગંદનામામાં માંગ કરી છે કે પુરાવા કે તપાસ સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, જ્યારે વાનખેડેએ તેમની સામે લગાવેલા આરોપોને ફગાવી દીધા હતા.
રવિવારે, ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષીએ મીડિયાને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે NCBના અધિકારી અને ફરાર સાક્ષી કેપી ગોસાવી સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા આર્યન ખાનને કેસમાં છોડી દેવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
મુખ્ય સાક્ષી પ્રભાકર સેલે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે ૨ ઑક્ટોબરના દરોડા બાદ આર્યન ખાનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યા બાદ ગોસાવીને ફોન પર સેમ ડિસોઝાને કહેતા સાંભળ્યો હતો કે “18 કરોડમાં પતાવટ ક્યારો કારણ કે તેણે સમીર વાનખેડેને આઠ કરોડ આપવાના છે.”
સેલે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં તેના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરશે.
NCB અને વાનખેડેએ સોમવારે કોર્ટમાં રજૂ કરેલા તેમના સોગંદનામામાં આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
વાનખેડેએ રવિવારે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેને પણ પત્ર લખીને અજાણ્યા શખ્સો દ્વારા તેમની સામે કથિત ખોટી રીતે તેમની વિરુદ્ધ સંભવિત કાનૂની કાર્યવાહીથી રક્ષણની માંગ કરી હતી.
નામ લીધા વિના, 2008 બેચના આઈઆરએસ અધિકારી વાનખેડેએ, નાગરાલેને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે, જાહેર મીડિયા પર તેમની સામે જેલ અને બરતરફીની ધમકી આપવામાં આવી છે.
આ મહિનાની શરૂઆતમાં વાનખેડેની આગેવાની હેઠળની NCBની ટીમે મુંબઈ કિનારે ક્રુઝ શિપ પર કથિત રીતે ડ્રગ્સ જપ્ત કરી હતી અને ત્યારબાદ 3 ઑક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તેમની જામીન અરજી પર મંગળવારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવે તેવી શક્યતા છે.

 

mumbai news Narcotics Control Bureau aryan khan