મુંબઈ : મોબાઇલ મોંઘા થવાથી ઑનલાઈન એજ્યુકેશનમાં મુશ્કેલી

21 July, 2020 07:30 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ : મોબાઇલ મોંઘા થવાથી ઑનલાઈન એજ્યુકેશનમાં મુશ્કેલી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના સંકટમાં દેશભરમાં લૉકડાઉન લાગુ કરાયું હોવાની સાથે કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને સ્કૂલ-કૉલેજો બંધ છે. શૈક્ષણિક વર્ષ ખરાબ ન થાય એ માટે ઑનલાઈન એજ્યુકેશન પર ભાર મુકાયો હોવાથી વિદ્યાર્થીદીઠ એક મોબાઇલની જરૂરિયાત ઊભી થઈ છે. લોકો પોતાના સંતાનો માટે આઠથી પંદર હજાર રૂપિયાની રેન્જમાં મોબાઇલ ખરીદી રહ્યા છે ત્યારે મોબાઇલની કિંમતમાં વધારાથી ચોંકી ઉઠ્યા છે. લૉકડાઉનમાં બધું બંધ છે, લોકોની આર્થિક હાલત ખરાબ છે ત્યારે ૧ મેથી જીએસટીમાં ૬ ટકાનો વધારો કરવાથી લોકોએ સંતાનોના શૈક્ષણિક ભવિષ્ય માટે વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. મોબાઇલનું વેચાણ કરનારા વિવિધ સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ રાહત આપવાની રજૂ્આત કરી હોવા છતાં આ બાબતે કંઈ જવાબ નથી મળી રહ્યો.

લૉકડાઉનને લીધે સરકારના નિયમ મુજબ કામકાજને અસર થવાથી નોઈડામાં આવેલા આઠથી પંદર હજારની રેન્જના મોબાઈલ બનાવતી કંપનીઓમાં પ્રોડક્શન ઓછું થઈ રહ્યું હોવાની સાથે મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત એમએમઆર રિજનમાં મોબાઇલની જૂજ દુકાનો જ ખૂલી હોવાથી પણ લોકોને પસંદ હોય એવા મોબાઇલ ન મળતાં હોવાનું જાણવા મળ્યું છે. ડિમાંડ સામે સપ્લાય જૂજ હોવાથી ઘણા ગ્રાહકોએ દિવસો સુધી મોબાઇલ ખરીદવા રાહ જોવી પડી રહી છે.

ચીન સાથેના સંબંધ ખરાબ થયા બાદથી ભારત સરકારે ઇમ્પોર્ટ કરાયેલા કન્ટેનરને લાંબા સમય સુધી જુદા જુદા પોર્ટ પર રોકી રાખ્યા હોવાને કારણે પણ મોબાઇલ સહિત એસેસરીઝનું પ્રોડક્શન ખોરવાતાં આવી સ્થિતિ ઊભી થઈ હોવાનું મોબાઇલના વેપારીઓ કહે છે. કોરોનાના સંકટને લીધે એમએમઆર રિજનની હજારો દુકાનોમાંથી ૩૦થી ૪૦ ટકા બંધ થવાની સ્થિતિમાં હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : મુંબઈ: લૉકડાઉન બાદ પનવેલમાં નવા કેસમાં 40 ટકાનો ઘટાડો

ઑલ ઈન્ડિયા મોબાઇલ રિટેલર્સ અસોસિએશનના નૅશનલ સિનિયર પ્રેસિડન્ટ વિભૂતિ પ્રસાદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અક તરફ સરકાર ડિજિટલાઇઝેશનની વાત કરે છે અને બીજી બાજું મોબાઇલ અને એસેસરીઝ પર ૧૨ ટકા જીએસટીમાં ૬ ટકાનો વધારો ૧ મે ૨૦૨૦થી કરીને ૧૮ ટકા કરીને મોંઘા કર્યાં છે. આ વધારો વેપારીઓ ગ્રાહકો પાસેથી લે છે એટલે તેમણે વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. અમે આ બાબતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સહિત કેન્દ્ર સરકારને રાહત આપવાની રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો. લૉકડાઉનમાં લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે સરકારે વિચારવું જોઈએ.’

mumbai mumbai news prakash bambhrolia coronavirus covid19 lockdown