કોરોનામાં લૉકડાઉનને કારણે ટીવી-સિરિયલોની બે ઍક્ટ્રેસને પણ ચોરી કરવાના દિવસો આવ્યા

19 June, 2021 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સાવધાન ઇન્ડિયા’ અને ‘ક્રાઇમ પૅટ્રોલ’માં કામ કરનાર આ અભિનેત્રીઓએ તેમને પેઇંગ ગેસ્ટ તરીકે રાખનાર મિત્રના ઘરમાં જ હાથ સાફ કર્યો

પોલીસે પકડી પાડેલી બન્ને ઍક્ટ્રેસ

‘સાવધાન ઇન્ડિયા’ અને ‘ક્રાઇમ પૅટ્રોલ’ નામની ટીવી-સિરિયલોમાં કામ કરનારી બે ઍક્ટ્રેસ જ ચોરી કરવાના આરોપસર પકડાઈ હોવાની ઘટના બહાર આવી છે. કોરોનાને કારણે લૉકડાઉન હોવાથી શૂટિંગ કરવા પ્રતિબંધ મુકાયો છે. એને લીધે સિરિયલોમાં કામ કરતા અનેક કલાકારો આર્થિક તાણ અનુભવી રહ્યા છે. આ બન્ને સિરિયલોમાં કામ કરતી ઍક્ટ્રેસ સામે પણ એ જ પ્રશ્ન ઊભો થયો હતો. આ બન્ને ઍક્ટ્રેસનો મુંબઈમાં રહેતો એક મિત્ર ગોરેગામની આરે કૉલોનીમાં આવેલા તેના ફ્લૅટમાં પેઇંગ ગેસ્ટ રાખતો હતો. બન્ને ઍક્ટ્રેસ થોડા વખત પહેલાં અહીં રહેવા આવી હતી. શૂટિંગ બંધ હોવાથી ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે મિત્રને ત્યાં જ ચોરી કરી હતી. આરે કૉલોની પોલીસે ચોરી કરવા બદલ બન્નેની ધરપકડ કરી હતી.

આરે કૉલોની પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર નૂતન પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટીવી-સિરિયલોમાં કામ કરતી ૨૫ વર્ષની સુરભિ શ્રીવાસ્તવ અને ૧૯ વર્ષની મોહસિના શેખ ૧૮ મેએ આરે કૉલોનીમાં રૉયલ પામ વિસ્તારમાં રહેતા તેમના મિત્રને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવી હતી. અહીં પહેલેથી એક વ્યક્તિ રહેતી હતી. તેના કબાટમાં ૩,૨૮,૦૦૦ રૂપિયાની આસપાસ રોકડ રકમ હતી. ચાન્સ મળતાં બન્ને પૈસા લઈને ત્યાંથી જતી રહી હતી. આ વિશે ફરિયાદ મળ્યા બાદ અમે તપાસ કરી હતી. અમે પરિસરમાં આવેલા વિવિધ સોસાયટીના કૅમેરાની તપાસ કરી હતી. એમાંથી એક ફૂટેજમાં આ બન્ને ઍક્ટ્રેસ દેખાઈ હતી. તેમના હાથમાં થેલી પણ જોવા મળી હતી. માહિતીના આધારે પોલીસે બન્નેને પકડી પાડી હતી. તેમની તપાસ કરીને ચોરી કરેલી રકમમાંથી ૬૦,૦૦૦ રૂપિયા રિકવર કર્યા હતા. બન્ને આરોપીઓને ૨૩ જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’

mumbai mumbai news Crime News