મલાડથી દહિસરમાં ગુનાખોરી ઘટી છે

14 October, 2011 08:41 PM IST  | 

મલાડથી દહિસરમાં ગુનાખોરી ઘટી છે



મલાડથી દહિસર સુધીના વિસ્તારોમાં સૌથી વધુ ચેઇન-સ્નૅચિંગ, રિક્ષામાંથી બૅગ-લિફ્ટિંગ અને નકલી પોલીસ બનીને સિનિયર સિટિઝનોને લૂંટી લેવાની ઘટનાઓ બનતી હોય છે. આમાંથી અમુક કેસ સૉલ્વ થયા હોય છે, પરંતુ ગુનાખોરી રોકવામાં પોલીસ સફળ રહી ન હોવાથી નવો ઍક્શન-પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એ વિશે મિડ-ડે Local દ્વારા આ વિસ્તારો (ગોરેગામથી દહિસરમાં આવતા ઝોન-૧૧ અને ઝોન-૧૨)ની સુરક્ષાની જવાબદારી ધરાવતા ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ રામરાવ પવારને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

તમારા વિસ્તારમાં ગુનાઓમાં વધારો થયો છે?

અમારા વિસ્તારમાં છેલ્લા થોડા દિવસમાં ગુના વધુ નોંધાયા છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ થોડો ઘટાડો જોવા મળ્યો છે. આમાંથી અમુક કેસોનું ડિટેક્શન નથી થયું. વારંવાર ગુના કરવામાં રીઢા ગુનેગારોનો જ હાથ હોય છે. જ્યાં આવી ઘટનાઓ બને છે એવા વિસ્તારોનું અમે એનું લિસ્ટ બનાવ્યું છે. આવા કેસો એક સ્પેસિફિક ટાઇમે થતા હોય છે. આ દરમ્યાન અમારી પોલીસ સાદા વેશમાં ફરતી જ હોય છે અને પૅટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે, પરંતુ બધી જગ્યાએ પોલીસ પહોંચી ન શકે; એટલે પબ્લિકે પોતે પણ સાવધ રહેવું જોઈએ. અમે પૅમ્ફ્લેટ્સ બનાવીને લોકોને આપીએ છીએ જેમાં તેમણે શું તકેદારી રાખવી જોઈએ એ વિશે માહિતી હોય છે. દરેક પોલીસ-સ્ટેશનના ઑફિસરો સિવિલ ડ્રેસમાં શંકાસ્પદ એરિયામાં ફરતા હોય છે.

પોલીસ બનીને લૂંટી લેવાની અનેક ઘટના બનતી હોય છે...

મહિલાઓ લોકોની વાતોમાં જલદી આવી જતી હોય છે, પરંતુ તેમણે અજાણી વ્યક્તિ સાથે વાત ન કરવી જોઈએ અને અજાણી વ્યક્તિઓની વાતોમાં ભોળવાઈ ન જવું જોઈએ. નકલી પોલીસ બનીને લૂંટી લેવાના જે કેસો બને છે એ લોકો મોટા ભાગે કલ્યાણ અને આંબીવલીના રહેનારા હોવાનું અમારું માનવું છે જેથી અમે લોકલ પોલીસની મદદથી ત્યાં તપાસ કરતા જ હોઈએ છીએ. આ ઉપરાંત મૅપિંગ અને પૅટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. આ લોકો અમુક વિસ્તારોમાં જ આવું કરતા હોય છે જેને કારણે એ વિસ્તારમાં પૅટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસને જ્યારે પણ ચાન્સ મળે છે ત્યારે સોસાયટીમાં જઈને અવેરનેસ પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ અને લોકોને અપીલ કરતા હોઈએ છીએ.

ચેઇન-સ્નૅચિંગના કેસ પણ બન્યા છે...

શરીર પરનાં સોનાનાં ઘરેણાં સંભાળીને રસ્તા પર ચાલવું જોઈએ. આવા કિસ્સામાં સિનિયર સિટિઝનો બહુ સરળતાથી ટાર્ગેટ બનતા હોય છે. તેઓ મંદિરમાં કે બજારમાં જવા નીકળે કે પછી બહાર ફરવા નીકળ્યા હોય ત્યારે અમુક સમયે પોતાની ધૂનમાં હોય છે તો અમુક લોકો બહુ જલદી બીજાની વાતોમાં ભોળવાઈ જતા હોય છે એટલે આ ટોળકીઓ તેમને ટાર્ગેટ બનાવે છે. એમાં પણ સિનિયર સિટિઝન મહિલાઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે. અજાણ્યા માણસો પર તેમણે ધ્યાન ન આપવું જોઈએ. મહિલાઓ કોઈની પણ વાતમાં આવી જતી હોય છે. તેઓ જો કોઈ લગ્ન અથવા તો ફંક્શનમાં જતી હોય તો વધુ ઘરેણાં પહેરે છે. હાલમાં સોનાના ભાવ પણ આસમાને હોવાથી તેમણે થોડા વધુ સતર્ક રહેવાની જરૂર છે. આવી મહિલાઓએ આજના જમાનામાં કારણ વગર સોનાનાં ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ. ઇમિટેશન જ્વેલરી પણ તેઓ પહેરી જ શકે છે. જો સોનાનાં ઘરેણાં પહેયાર઼્ જ હોય તો તેમણે દુપટ્ટો અથવા તો સાડીના છેડાથી ગળાને ઢાંકી દેવું જોઈએ જેથી ચેઇન-સ્નૅચિંગ કરનારાઓને લૂંટ કરવાનો કોઈ મોકો જ ન મળે.

- અંકિતા શાહ