સાયન હૉસ્પિટલમા ડેડ-બોડી બદલાવાના મામલામાં બે કર્મચારીને સસ્પેન્ડ કર્યા

15 September, 2020 09:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સાયન હૉસ્પિટલમા ડેડ-બોડી બદલાવાના મામલામાં બે કર્મચારીને સસ્પેન્ડ કર્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં ૨૮ વર્ષના એક યુવકનો મૃતદેહ બીજા મૃતકના પરિવારને સોંપી દેવાની ચોંકાવનારી ઘટનામાં પાલિકાએ ગઈ કાલે હૉસ્પિટલના બે કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા. મૃતકના પરિવારજનોએ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરતી વખતે યુવકની કિડની કાઢી નાખવાનો આરોપ પણ કર્યો હતો, જે પાલિકાએ નકારી કાઢ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાએ કહ્યું હતું કે ‘આવી બેદરકારી દાખવનારાઓ સામે સખત પગલાં લેવામાં આવશે. રોડ ઍક્સિડન્ટમાં ગંભીર રીતે ઘવાયેલા ૨૮ વર્ષના અંકુશ સરવદેનું સાયન હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોસ્ટમૉર્ટમ કરાયા બાદ સાયન હૉસ્પિટલના સ્ટાફે કથિત રીતે આત્મહત્યા કરનારા હેમંતના પરિવારજનોને મૃતદેહનો તાબો લેવા માટે બોલાવ્યા હતા. જોકે સ્ટાફે અંકુશનો મૃતદેહ હેમંત દિગમ્બરના પરિવારજનોને સોંપી દીધો હતો, જેની બાદમાં પરિવારજનોએ આ મૃતદેહની અંતિમક્રિયા કરી નાખી હતી. અંકુશનો મૃતદેહ લેવા માટે તેના પરિવારજનો આવ્યા ત્યારે અંકુશને બદલે તેમને બીજા કોઈનો મૃતદેહ અપાઈ રહ્યો હોવાની જાણ થતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. પાલિકાએ આપેલી માહિતી મુજબ સાયન હૉસ્પિટલમાં બન્ને મૃતદેહ પર રવિવારે પોસ્ટમૉર્ટમ કરાયું હતું અને શબગૃહમાં બન્નેને રખાયા હતા. અંકુશ સરવદેના પરિવારજનોને રવિવારે બપોર બાદ ૪ વાગ્યે મૃતદેહ લેવા માટે બોલાવાયા હતા. આ સમયે હેમંત દિગમ્બરના પરિવારજનો અંકુશના મૃતદેહને હેમંતનો સમજીને લઈ ગયા હતા. તેમણે હૉસ્પિટલમાં ચાલી રહેલી ગડબડ સામે અવાજ ઉઠાવ્યો હતો. જોકે પોલીસ ઘટનાસ્થળે સમયસર પહોંચી જતાં કોઈ મુશ્કેલી નહોતી ઊભી થઈ.

mumbai mumbai news sion Crime News mumbai crime news