બોગસ કૉલ સેન્ટરથી વિદેશીઓને છેતરવાના આરોપસર બે પકડાયા

28 May, 2020 07:27 AM IST  |  Mumbai | Mumbai Correspondent

બોગસ કૉલ સેન્ટરથી વિદેશીઓને છેતરવાના આરોપસર બે પકડાયા

પ્રતીકાત્મક તસવીર

બોગસ કૉલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને કમ્પ્યુટરમાં વાઇરસ, માલવેરને ક્લિન કરવાને નામે ફોન કરીને છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે ૭ હાર્ડ ડિસ્ક, ૨ મોબાઈલ, ૧ રાઉટર સહિતની સામગ્રી જપ્ત કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની યુનિટ ૯ના ઇન્સ્પેક્ટર સંજીવ ગાવડેને માહિતી મળી હતી કે અંધેરી (વેસ્ટ)માં લુમીનેશનના નામે એક બોગસ કૉલ સેન્ટર શરૂ કરીને કેટલાક લોકો વિદેશી નાગરિકો સાથે વાઇરસ ક્લિન કરવાને નામે ચીટિંગ કરી રહ્યા છે.

યુનિટ-૯ના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ દેસાઈના માર્ગદર્શનમાં પોલીસની ટીમે ૨૨ મેએ રાત્રે અંધેરી વેસ્ટમાં આવેલા આદર્શનગર ખાતેના અન્નપૂર્ણા અપાર્ટમેન્ટના એક ફ્લૅટમાં ચાલતા બોગસ કૉલ સેન્ટરમાં દરોડો પાડીને વિદેશી નાગરિકોના ગેરકાયદે ડેટા મેળવીને તેમની સાથે છેતરપિંડી કરવાના આરોપસર બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ ૭ કમ્પ્યુટરમાં ગેરકાયદે વીઓઆઇપી કૉલ દ્વારા વિદેશી નાગરિકોનો સંપર્ક કરીને તેમના કમ્પ્યુટરમાંથી વાઇરસ, માલવેર ક્લિન કરવાનું કહીને પેમેન્ટ મેળવતા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે આ બાબતની ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાવીને વિરારમાં રહેતા ૨૧ વર્ષના યુવક અને અંધેરીમાં રહેતા ૩૫ વર્ષના બીજા યુવક સામે આઇપીસીની કલમો ૪૧૯, ૪૨૦, ૩૪ લગાવીને ધરપકડ કરી હતી. આગળની તપાસ ઓશિવરા પોલીસની ટીમ કરશે.

mumbai mumbai news mumbai crime news Crime News mumbai crime branch