મુંબઈ : નવરાત્રિમાં માતાજીનો પ્રસાદ લેવાનું વૃદ્ધાને ભારે પડ્યું

22 October, 2020 11:54 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : નવરાત્રિમાં માતાજીનો પ્રસાદ લેવાનું વૃદ્ધાને ભારે પડ્યું

માતાજીનો પ્રસાદ લેવામાં વૃદ્ધાના સોનાના દાગીના ચોરી થઈ ગયા. પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં ચોરી, છેતરપિંડી જેવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મુલુંડમાં રહેતાં ૬૫ વર્ષનાં માયાબેન ગીરીને મંગળવારે બપોરે ચાર વાગે માર્કેટથી ઘરે પાછા ફરતી વખતે એક અજાણી વ્યક્તિ તેમને મળી હતી અને તેણે નવરાત્રિ નિમિત્તે માતાજીનો પ્રસાદ માયાબેનને આપ્યો હતો. આ પ્રસાદ લીધા બાદ તેઓ બેભાન થઈ ગયાં હતાં અને આવેલી વ્યક્તિ માયાબેનના તમામ દાગીના અને રોકડ લઈ રફુચક્કર થઈ ગઈ હતી.

મુલુંડ વેસ્ટમાં જૂના મુલુંડ વિસ્તારમાં ભાનુશાલી નગરમાં રહેતાં માયા ગુલાબ ગીરી મંગળવારે બપોરે ચાર વાગે માર્કેટમાં ખરીદી માટે ગયાં હતાં. પાછા ફરતી વખતે તેઓને ભાસ થયો હતો. ત્યાર બાદ એક અજાણી વ્યક્તિ તેઓની સામેથી આવી હતી અને તેઓને નવરાત્રી નિમિત્તે પ્રસાદ આપ્યો હતો, જે પ્રસાદ તેઓએ લેવાનો ઇનકાર કર્યો હતો પણ આવેલા યુવકે જબરદસ્તી તેઓને હાથમાં પ્રસાદ આપ્યો હતો. એ બાદ માયાબેન બેભાન થઈ ગયાં હતાં અને આવેલો યુવક તેઓએ પહેરેલી બંગડી, ચેન, બુટ્ટી અને તેઓના પાકીટમાં પડેલા પૈસા લઈ રફુચકર થઈ ગયો હતો.

માયાબેને કહ્યું હતું કે મારા ૪૦ વર્ષ જૂના દાગીના લૂંટારાઓ કપટ કરીને લઈ ગયા છે. પોલીસમાં મેં ફરિયાદ કરીને વિંનતી કરી છે કે મારા દાગીના મને પાછા મેળવી આપો. એ દાગીનાઓ સાથે મારી જૂની યાદગીરી જોડાયેલી છે.

મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ પ્રભારી રમેશ ઢસાળે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધી સિસીટીવી કૅમેરાના ફુટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે.

mumbai mumbai news Crime News mumbai crime news lockdown navratri mulund