લૂંટ-ચોરીની રકમ માઓવાદીને મોકલનારાની ધરપકડ કરાઈ

25 May, 2020 09:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

લૂંટ-ચોરીની રકમ માઓવાદીને મોકલનારાની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં લૂંટ કરીને લૂંટની રકમ નેપાલમાં માઓવાદીઓને મોકલવાના આરોપસર જુહુ પોલીસના યુનિટે એક આરોપીની ધરપકડ ગઈ કાલે કરી હતી. પોલીસની તપાસમાં આરોપીએ શહેરમાં ૩૦ મોટી લૂંટ કરી હોવાનું જણાઈ આવ્યું હતું.

મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસના જુહુ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર દયા નાયકની ટીમને બાતમી મળી હતી કે અંધેરીમાં કેટલાક લોકો લૂંટ કરવા આવવાના છે. પોલીસે માહિતીને આધારે છટકું ગોઠવીને શંકાસ્પદ આરોપીને મસ્તકાર પેટ્રોલ પંપ પાસેથી તાબામાં લઈને તપાસ કરતાં તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને ૩ જીવંત કારતૂસ મળી આવ્યા હતા.

સિનિયર ઇન્સ્પેક્ટર દયા નાયકે પત્રકારોને જણાવ્યું હતું કે આરોપી નેપાલનો મૂળ રહેવાસી છે. તે નેપાલમાં સક્રિય માઓવાદીઓના સંપર્કમાં હતો. મુંબઈમાં તેણે ૩૦ મોટી લૂંટને અંજામ આપીને મળેલી રકમ નેપાલ મોકલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે માઓવાદીઓને મોકલાતા રૂપિયાનો ઉપયોગ તેઓ શસ્ત્રો ખરીદવામાં કરે છે અને આ શસ્ત્રોનો ઉપયોગ ભારત સામે કરવામાં આવે છે. ધરપકડ કરાયેલો આરોપી એકલો કામ કરતો હતો કે તેણે કોઈ ગૅન્ગ બનાવી છે એની તપાસ પોલીસ કરી રહી છે.

પોલીસે ઉમેર્યું હતું કે કોરોનાને કારણે મુંબઈમાં બે મહિનાથી લૉકડાઉન લાગુ કરાયું છે ત્યારે આરોપી લૂંટની સાથે બંધ દુકાનોમાંથી ચોરી પણ કરતો હોવાનું જણાઈ આવ્યું છે.

mumbai Crime News mumbai crime news juhu mumbai crime branch