મુંબઈ : પોસ્ટ ઑફિસમાં ડ્રગ્સની હેરાફેરી

19 October, 2020 10:22 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : પોસ્ટ ઑફિસમાં ડ્રગ્સની હેરાફેરી

૫૦ લાખના નશીલા પદાર્થ સાથે પકડાયેલો શ્રીરવ શાહ અને ઓમકાર તુપે.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની મુંબઈ ટીમે ગઈ કાલે લોનાવલાની પોસ્ટ ઑફિસમાંથી નશીલા પદાર્થનું પાર્સલ જપ્ત કરીને એક ગુજરાતી સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. કેનેડાથી આવેલું ૧૦૩૬ ગ્રામ ગાંજાનું પાર્સલ મુંબઈ અને અમદાવાદમાં સપ્લાય કરવાની માહિતી મળ્યા બાદ એજન્સીએ કાર્યવાહી કરી હતી. એનસીબી દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી અને સેવન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે એના અનુસંધાનમાં લોનાવલાની પોસ્ટ ઑફિસમાં તપાસ કરાઈ હતી. પોલીસની કરડી આંખ થવાથી નશીલા પદાર્થની હેરાફેરી કરનારા હવે પોસ્ટ ઑફિસનો ઉપયોગ કરવા લાગ્યા હોવાનું આ બનાવ પરથી જણાઈ આવે છે.

એનસીબીની મુંબઈ ટીમને બાતમી મળી હતી કે ૧૬ ઑક્ટોબરે લોનાવલાની પોસ્ટ ઑફિસમાં કેનેડાથી ડ્રગ્સનું પાર્સલ આવ્યું છે, જે લેવા માટે બે યુવક આવવાના છે. માહિતી મળ્યા બાદ એનસીબીની ટીમે છટકું ગોઠવીને ઈન્ટરનૅશનલ માર્કેટમાં ૫૦થી ૫૫ લાખ રૂપિયાની કિંમતનો ૧૦૩૬ ગ્રામ ગાંજાનું પાર્સલ પોસ્ટ ઑફિસમાંથી છોડાવી રહેલા બે યુવકને તાબામાં લીધા હતા.

એનસીબીની પૂછપરછમાં અમદાવાદમાં રહેતા ૨૬ વર્ષના શ્રીમય પરેશ શાહ અને નવી મુંબઈના નેરુળમાં રહેતા ૨૮ વર્ષના ઓમકાર જયપ્રકાશ તુપે નામના યુવાનો કેનેડાથી આવેલા નશીલા પદાર્થનું પાર્સલ પોસ્ટ ઑફિસમાંથી છોડાવીને મુંબઈ અને અમદાવાદ મોકલવાના હતા.

આરોપીઓ પાસેથી પ્રતિબંધિત નશીલા પદાર્થ મળી આવતા તેમની સામે એનડીપીએસ ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. નશીલા પદાર્થની હેરાફેરી માટે પોસ્ટ ઑફિસનો પણ ઉપયોગ કરાતો હોવાનું આ મામલામાં જણાતાં આરોપીઓ પોલીસથી બચવા માટે કેવા કેવા આઇડિયા કરતા હોય છે એ સ્પષ્ટ થાય છે.

mumbai mumbai news lonavala lonavla Crime News mumbai crime news mumbai crime branch