મુંબઈ: વસઈની મહિલા સાથે 57.36 લાખની ઑનલાઇન ઠગાઈ

10 July, 2020 11:29 AM IST  |  Palghar | Agencies

મુંબઈ: વસઈની મહિલા સાથે 57.36 લાખની ઑનલાઇન ઠગાઈ

પ્રતીકાત્મક તસવીર

વસઈ રહેતી ૬૯ વર્ષની એક મહિલાએ ઑનલાઇન ઠગાઈમાં ૫૭.૩૬ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઑનલાઇન છેતરપિંડી કરનારા બે વિદેશી ઠગોમાં એક બ્રિટનનો પાઇલટ હોવાનો દાવો કરતો હતો. વસઈ પોલીસે બુધવારે સાંજે બે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘મેં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લિયો જોવ્હા નામના માણસ સાથે ફ્રેન્ડશિપ કરી હતી. લિયો બ્રિટનમાં પાઇલટ હોવાનો દાવો કરતો હતો. એ સ્કૉટલૅન્ડનો રહેવાસી હોવાનો અને બ્રિટિશ ઍરલાઇનમાં પાઇલટ હોવાનો દાવો કરતો હતો.’

ફરિયાદની વિગતો વિશે માહિતી આપતાં પાલઘર પોલીસના પ્રવક્તા સચિન નવડકરે જણાવ્યું હતું કે ‘ફેસબુક પર ચૅટ કરતાં-કરતાં લિયો જાવ્હાએ જણાવ્યું હતું કે હું ફરિયાદી મહિલાના નામે ઔદ્યોગિક વિસ્તારમાં બે એકર જમીન ખરીદવાના પૈસા મોકલીશ. ત્યાર પછી મહિલા સાથે જોશીલા નામની મહિલાએ ફોન કરીને કહ્યું હતું કે રોકડ રકમનું કુરિયર પૅકેટ ઍરપોર્ટ પહોંચી ગયું છે અને મોટી રકમ હોવાથી તમારે ક્લિયરન્સ માટે સરકારી કરવેરા ભરવા પડશે. એ વખતે ફરિયાદી મહિલાએ સૂચિત રકમ જણાવવામાં આવેલા બૅન્ક-અકાઉન્ટમાં ભરી દીધી હતી. ત્યાર પછી જોશીલા નામની એ મહિલા વારંવાર ફોન કરીને જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટમાં અલગ-અલગ રકમ ભરવાનું કહેતી ગઈ અને ફરિયાદી મહિલા એ પૈસા ભરતી ગઈ. એ રીતે ફરિયાદીએ કુલ ૫૭.૩૬ લાખ રૂપિયા ભર્યા હતા. ત્યાર પછી એ મહિલાએ જોશીલા અને લિયોનો સંપર્ક સાધવાના કરેલા પ્રયાસો નિષ્ફળ ગયા હતા. પોલીસ-સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai news mumbai Crime News mumbai crime news vasai