કીમતી વસ્તુઓ ખરીદીને ઑનલાઇન પેમેન્ટના નામે ચીટિંગ કરનાર પકડાયો

23 January, 2020 09:25 AM IST  |  Mumbai

કીમતી વસ્તુઓ ખરીદીને ઑનલાઇન પેમેન્ટના નામે ચીટિંગ કરનાર પકડાયો

ફાઈલ ફોટો

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં કીમતી વસ્તુઓ ખરીદીને એનું પેમેન્ટ મોબાઇલ-ઍપથી એનઈએફટી દ્વારા કરવાના નામે અનેક દુકાનદારો સાથે છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈ પોલીસના પ્રૉપર્ટી સેલે ૨૫ વર્ષના એક ભેજાબાજ આરોપીની તાજેતરમાં ધરપકડ કરી હતી. આરોપી સામે મુંબઈ ઉપરાંત થાણે, મીરા રોડ, વસઈ, વિરાર વગેરે વિસ્તારોમાં ચીટિંગની ફરિયાદ હોવાનું પોલીસતપાસમાં જણાયું હતું.

માહિમ અને માનખુર્દ પોલીસ-સ્ટેશનમાં મોબાઇલ-ઍપથી ઑનલાઇન પેમેન્ટ થયાનો મેસેજ દુકાનદારને બતાવીને કીમતી વસ્તુઓ ખરીદીને ચીટિંગ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતાં મુંબઈ પોલીસના પ્રૉપર્ટી સેલની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપીએ વિવિધ દુકાનોમાંથી સોનાની ૭ ચેઇનની ખરીદી કરી હતી. આરોપીની મોડસ ઑપરેન્ડીને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ શહાજી ઉમાપ, શશાંક સાંડભોરના માર્ગદર્શન હેઠળ પ્રૉપર્ટી સેલની ટીમે બાતમીદારોની મદદથી ૨૦ જાન્યુઆરીએ ૨૩ વર્ષના નિખિલ દુર્ગેશ સુમન નામના યુવકની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરીને ૨૮ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી.

આ પણ વાંચો : મુંબઈ: તેજસ એક્સપ્રેસ લેટ 630 મુસાફરોને વળતર

પ્રૉપર્ટી સેલના સિનિયર ઇન્સ્પેક્ટર ધીરજ કોલીએ કહ્યું હતું કે ‘આરોપી પોતાના અકાઉન્ટમાંથી ખરીદેલી વસ્તુનું ઑનલાઇન પેમેન્ટ થઈ ગયું હોવાનો ખોટો મેસેજ બતાવતો હતો. કોઈ દુકાનદાર પેમેન્ટ પોતાના અકાઉન્ટમાં ક્રેડિટ ન થયું હોવાનું પૂછતા તો તે કહી દેતો કે બૅન્કનું સર્વર ડાઉન હોવાથી સમય લાગશે. થોડા સમયમાં મેસેજ આવી જશે. દુકાનદારો તેની વાત પર વિશ્વાસ કરીને છેતરાયા છે.’

mumbai mumbai news Crime News mumbai crime news