મ્હાડાના ફ્લૅટ આપવાને નામે લાખોની ચીટિંગ બદલ એજન્ટની ધરપકડ

23 September, 2020 11:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મ્હાડાના ફ્લૅટ આપવાને નામે લાખોની ચીટિંગ બદલ એજન્ટની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં શાંતિ ગાર્ડન પાસેની મ્હાડાની ઇમારતોમાં હેવી ડિપોઝિટ પર ફ્લૅટ ભાડે આપવાને નામે ફ્લૅટમાલિકો અને ભાડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર થાણે ગ્રામીણની કાશીમીરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસ પહેલાં ધરપકડ કરી હતી. આરોપી ભાડૂતો પાસેથી હેવી ડિપોઝિટ તરીકે મોટી રકમ લીધા બાદ ઓછી રકમનું ઍગ્રીમેન્ટ બનાવીને બાકીના રૂપિયાની ઉચાપત કરતો હોવાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.

મીરા રોડમાં સૃષ્ટિ અને શાંતિ ગાર્ડન નજીકમાં મ્હાડાની ઇમારતો આવેલી છે. આ ઇમારતોમાં અનેક ફ્લૅટ ભાડે અપાતા હોવાથી સ્થાનિક એસ્ટેટ એજન્ટોના માધ્યમથી વહીવટ થાય છે. અહીંના સૂર્યા શૉપિંગ સામેના પૂનમ ક્લસ્ટર્સ-૩માં સાંઈ રિયલ્ટર્સ નામે સુશાંત જાદવ એસ્ટેટ એજન્સી ધરાવે છે.
સુશાંતે મ્હાડાના કેટલાક ફ્લૅટ ભાડે આપવામાં ચીટિંગ કરી હોવાની ફરિયાદ કેટલાક લોકોએ કાશીમીરા ક્રાઇમ બ્રાન્ચને કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને ત્રણ દિવસ પહેલાં સુશાંત જાદવની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.

કાશીમીરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પ્રવીણ સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મ્હાડાના ફ્લૅટ ભાડે આપવા માટે હેવી ડિપોઝિટ લઈને ઓછી રકમના ઍગ્રીમેન્ટ કરીને કેટલાક લોકો સાથે છેતરપિંડી કરવાની ફરિયાદ સાંઈ રિયલ્ટર્સના સુશાંત જાધવ સામે નોંધીને અમે તેની ધરપકડ કરી છે. અત્યાર સુધી ૧૨ લોકોએ તેની સાથે પંચાવન લાખ રૂપિયા લઈને પાછા ન આપવાની ફરિયાદ નોંધાવી છે. વધુ લોકો સામે આવવાની શક્યતા છે. કોર્ટે ૨૩ સપ્ટેમ્બર સુધીની આરોપીને પોલીસ-કસ્ટડી આપી છે. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

સ્થાનિક એસ્ટેટ એજન્ટોના જણાવ્યા મુજબ મ્હાડાના ફ્લૅટ જેમને લૉટરીમાં લાગે છે એમાં મોટા ભાગના લોકો અહીં રહેતા ન હોવાથી તેઓ ફ્લૅટ ભાડે ચડાવી દે છે. કેટલાક લોકો મુંબઈ કે થાણેમાં રહેતા હોવાથી તેઓ એસ્ટેટ એજન્ટોને ફ્લૅટ ભાડે આપવાનો ઇજારો આપી દે છે. આથી કેટલાક એજન્ટો લાલચમાં આવીને ફ્લૅટમાલિકોની સાથે ભાડૂતોને છેતરતા હોવાની ઘટના બને છે.

mumbai mumbai news mira road