પ્રાર્થનાસભાનો પાકીટમાર

13 January, 2021 05:31 AM IST  |  Mumbai | Mehul Jethva

પ્રાર્થનાસભાનો પાકીટમાર

આરોપી શફીક અબ્દુલ શેખ

ચેમ્બુર પોલીસે એક એવા વિચિત્ર આરોપીની ધરપકડ કરી છે જે લગ્ન સિવાય ખાસ કરીને પ્રાર્થનાસભાઓમાં ચોરી કરતો હતો. રસપ્રદ વાત એ છે કે આરોપી દરરોજ સવારે અખબારો, ખાસ કરીને ગુજરાતીમાં અવસાન નોંધ વાંચીને પ્રાર્થનાસભા વખતે સફેદ શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેરીને પહોંચી જતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે પૂરા બે કલાક પ્રાર્થનાસભામાં બેસીને પોતાનો શિકાર નક્કી કરીને પ્રાર્થનાસભાના અંતમાં બધા મૃતકના પરિવારને મળવા જાય ત્યારે ગિરદીનો ફાયદો ઉઠાવીને ચોરી કરીને ભાગી જતો હતો. ખાસ કરીને સિનિયર સિટિઝનને તે ટાર્ગેટ કરતો હતો. શફીક અબ્દુલ શેખ નામના આ આરોપીની સામે કુલ ૨૭ કેસ છે અને તેની ખાસિયત એ છે કે તે એકદમ ફાંકડું ગુજરાતી બોલી-વાંચી શકે છે. આરોપી રિક્ષા ડ્રાઇવર હોવાથી રિક્ષામાં જ નવા કપડાં રાખતો હતો અને ક્યાંય કોઈ સારા લગ્ન દેખાઈ જાય તો રિક્ષા સાઇડ પર પાર્ક કરીને ત્યાં હાથ મારીને આવી જતો હતો. આરોપીને કોર્ટમાં હાજર કરતાં ૧૬ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યા અનુસાર ચેમ્બુરના ગુર્જર બૅન્કવેટ હોલમાં ૨૦૧૯માં રાખેલી એક શોકસભામાંથી આરોપી રોકડ અને ગોલ્ડની ચોરી કરી નાસી ગયો હતો. જેની ફરિયાદ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા બૅન્કવેટ હોલના સીસીટીવી કૅમેરાના ફુટેજ તપાસ કરતાં રેકૉર્ડ પરના આરોપી શફીક અબ્દુલ કુદુસ શેખ ઉર્ફે મુન્નાએ ઘટનાને અજામ આપ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. ઘણી તપાસ બાદ આરોપીની રવિવારે શિવાજીનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ચેમ્બુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે રોજ ગુજરાતી, ઇંગ્લિશ પેપરમાં લોકોની શોકસભાના સમાચાર વાંચી જે ટાઇમે સભા હોય એ સમયે સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેરી સભામાં પહોંચી જતો. સભા દરમ્યાન તે પોતાનો શિકાર શોધી તે પાકીટ સાથે અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરી નાસી જતો હતો.

ચેમ્બુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પ્રદીપ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરોપી સામે ઘાટકોપર, પંતનગર, મુલુંડ, ખાર, વાશી જેવા અનેક પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની ચોરીઓના ૨૭ કેસ નોંધ થયેલા છે. આરોપી એ ઉપરાંત રિક્ષા ચલાવે છે અને રાતના સમયે તેમાં જ સૂવે છે એથી કોઈ પાકું સરનામું નહોતા તેને પકડવો બહુ મુશ્કેલ થતું હતું.

આરોપી સામે અત્યાર સુધીમાં 27 કેસ નોંધાયા છે

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police chembur mehul jethva