HPCLની પાઇપલાઇનમાંથી પેટ્રોલ ચોરતી ટોળકી પકડાઈ

10 July, 2020 11:29 AM IST  |  Mumbai | Agencies

HPCLની પાઇપલાઇનમાંથી પેટ્રોલ ચોરતી ટોળકી પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની પાઇપલાઇનમાં કાંણુ પાડી એમાંથી પેટ્રોલ ચોરતી ટોળકીના ૬ સભ્યોને પોલીસે ઝડપી લીધા છે અને તેમની સામે ચોરીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરસીએફ પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકીએ ગવાણપાડા વિસ્તારમાં પાઇપલાઇનમાં કાંણુ પાડ્યું હતું અને એમાંથી તે પેટ્રોલ ચોરતી હતી. પોલીસે આ કેસમાં ઇરફાન શમશેર ખાન (૨૬), ઇશ્વર મોરે (૩૧), સલીમ પ્યારેલાલ શરિફ (૪૪), રિયાઝ અહેમદ મુલ્લા (૫૫), કિશોર વિશ્વનાથ શિરસોદે (૩૬) અને ઇરફાન ઉર્ફે રાજુને ઝડપી લીધા હતા. રિયાઝ અહેમદ મુલ્લા આ ટોળકીનો સૂત્રધાર છે.

આરસીએફ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સોપાન નિઘોટે જણાવ્યું હતું કે ‘અમે પહેલાં ઇરફાન અને શિરસોદેને ઝડપ્યા હતા. તેમની પૂછપરછમાં અન્ય આરોપીઓનાં નામ બહાર આવતાં તેમની પણ ધરપકડ કરાઈ હતી. ચોરેલું પેટ્રોલ લઈ જવા ઉપયોગમાં લેવાતું ઑઇલ ટૅન્કર પણ જપ્ત કરાયું છે. પૂછપરછમાં એવુ પણ બહાર આવ્યું હતું કે આ ટોળકી છેલ્લા એક મહિનાથી આ રીતે પેટ્રોલ ચોરતી હતી. વળી એ ચોરેલું પેટ્રોલ જલદ‌ીથી વેચી દેવા ખૂબ સસ્તા ભાવે કાઢી નાખતા હતા. ઇરફાન ઉર્ફે રાજુ અને શિરસોદેને કોર્ટે જામીન મંજૂર કર્યા છે, જ્યારે અન્ય આરોપીઓ હાલમાં પોલીસ-કસ્ટડીમાં છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.’

Crime News mumbai crime news mumbai mumbai news