કરોડોની લોન આપવાના નામે છેતરપિંડીના આરોપસર ફિલ્મનિર્માતાની ધરપકડ કરાઈ

23 February, 2020 07:31 AM IST  |  Mumbai

કરોડોની લોન આપવાના નામે છેતરપિંડીના આરોપસર ફિલ્મનિર્માતાની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના એક બિઝનેસમૅન પોતાનો વ્યવસાય વધારવા માગતા હોવાથી તેમને મોટી લોનની જરૂર હોવાથી તેમને ૨૦૦ કરોડ રૂપિયાની લોન અપાવવાને નામે તેમની પાસેથી ૨૦ લાખ રૂપિયા લઈને જવાબ ન આપતા બૉલીવુડના એક ફિલ્મ નિર્માતાની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. આરોપીએ આવી રીતે અનેકને છેતર્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અજય યાદવ ૨૦૧૨થી મુંબઈમાં રહીને બૉલીવુડમાં ફિલ્મો નિર્માણ કરે છે. તેણે એક પ્રાઈવેટ ફાઈનૅન્સર કંપની પાસેથી દિલ્હીના એક બિઝનેસમૅનને ૨૦૦ કરોડ રૂપિયાની લોન આપવાનું કહીને ૨૦ લાખ રૂપિયા ઍડ્‌વાન્સ કમિશન પેટે લીધા હતા. રૂપિયા મળી ગયા બાદ તેણે ફરિયાદી બિઝનેસમૅન સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧ના એક અધિકારીના જણાવ્યા મુજબ અનેક વખત સંપર્કનો પ્રયાસ કર્યા બાદ પણ આરોપી સાથે વાતચીત ન થતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા દિલ્હીના બિઝનેસમૅને મુંબઈ આવીને મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની સમાંતર તપાસ કરી રહેલી અમારી ટીમે આરોપી અજય યાદવની અંધેરીમાંથી ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીની કરેલી તપાસમાં તેણે આવી રીતે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા છે. આરોપીએ અત્યાર સુધી છ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. સસ્પેન્સ, સાક્ષી, ભડાસ, ઓવરટાઈમ જેવી તેની ફિલ્મો યુટ્યુબ પર પ્રસારિત થઈ છે. ફિલ્મો બનાવવા માટે આર્થિક મુશ્કેલી અનુભવતા તેણે પ્રાઇવેટ ફાઇનૅન્સ કંપનીના નામે લોકોને છેતરવાનું ચાલું કર્યું હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news