ચેમ્બુરમાં પ્રતિબંધિત પાકિસ્તાની ગોરી બ્યુટી ક્રીમ વેચતો ગુજરાતી વેપારી ઝડપાયો

27 June, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહ્યું કે ક્રૉફર્ડ માર્કેટના વેપારી પાસેથી લાવ્યો હતો માલ, મોટું રૅકેટ બહાર આવવાની સંભાવના

ટોની લૅન્ડ નામની દુકાનમાં રાખેલી બ્યુટી-પ્રોડક્ટ

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ 6એ ચેમ્બુર સ્ટેશન નજીક આવેલી ટોની લૅન્ડ નામની દુકાનમાં બુધવાર સાંજે દરોડો પાડીને પાકિસ્તાનમાં બનેલી પ્રતિબંધિત બ્યુટી-પ્રોડક્ટ્સ વેચવાના આરોપસર એક દુકાનદાર વિરુદ્ધ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહિલા પોલીસ-કર્મચારીને નકલી ગ્રાહક બનાવીને મોકલી હતી, જ્યાં તેણે ‘ગોરી બ્યુટી ક્રીમ’ ખરીદી હતી. આ પ્રોડક્ટના પૅકેજિંગ પર સ્પષ્ટપણે ‘મેડ ઇન પાકિસ્તાન’ (લાહોર) લખેલું હતું. આ ખાતરી થતાં જ પોલીસે દુકાનમાં પ્રવેશીને કાઉન્ટર પરથી ૨૪૯૫ રૂપિયાની ક્રીમનાં પાંચ બૉક્સ જપ્ત કર્યાં હતાં. પોલીસે દુકાનના માલિક સંજય શાહની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 6ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂછપરછ દરમ્યાન દુકાનદાર સંજય શાહ આ પ્રોડક્ટ ખરીદવાનું કોઈ પણ પ્રકારનું બિલ કે ઇમ્પોર્ટના દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. તેણે ખુલાસો કર્યો હતો કે તે આ માલ ક્રૉફર્ડ માર્કેટના એક વેપારી પાસેથી લાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ પાકિસ્તાનથી આવતી તમામ ચીજવસ્તુઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરીને અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને આ ક્રીમ વેચવામાં આવી રહી હતી. પોલીસે એક બૉક્સને કેમિકલ ઍનૅલિસિસ માટે મોકલ્યું છે, જ્યારે બાકીનાં ૪ બૉક્સ પુરાવા તરીકે રાખવામાં આવ્યાં છે. આ મામલે ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં સંજય શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં મોટું કૌભાંડ ખૂલવાની શક્યતા છે. હાલમાં ક્રૉફર્ડ માર્કેટના અમુક વેપારીઓની તપાસ ચાલુ છે.’

chembur pakistan Crime News mumbai crime news mumbai police mumbai crime branch crime branch mumbai mumbai news