દિવાળીમાં ધૂમધડાકા નહીં થાય

17 October, 2011 09:11 PM IST  | 

દિવાળીમાં ધૂમધડાકા નહીં થાય

 

ઉર્વશી સેઠ

મુંબઈ, તા. ૧૭

મુંબઈ અને થાણે ફાયરવર્ક ડીલર્સ વેલ્ફેર અસોસિએશને તો પહેલાં જ તામિલનાડુના ફટાકડા ઉત્પાદકોને જણાવી દીધું હતું કે જો તેઓ ફટાકડાના પૅકેટ પર સાઉન્ડ ડેસિબલ લેવલની વિગતો નહીં આપે તો મુંબઈના રીટેલરો એના પર પ્રતિબંધ મૂકી દેશે. આ સિવાય રાજ્યનું પર્યાવરણખાતું ગયા વર્ષની જેમ જ વડાલા ગ્રાઉન્ડમાં જઈને ફટાકડા ફોડીને તપાસ કરશે કે બજારમાં વેચાતા ફટાકડા એના પર નર્દિેશ કરવામાં આવેલા સાઉન્ડ ડેસિબલ લેવલ મુજબ જ અવાજ કરે છે કે કેમ?

સુપ્રીમ ર્કોટે‍ મહત્તમ ૧૨૫ ડેસિબલ જેટલો અવાજ કરતા ફટાકડાને મંજૂરી આપી છે. જોકે આ વખતે સામાન્ય લોકો માટે ફટાકડા મોંઘી જણસ જેવા સાબિત થવાના છે, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફટાકડાની કિંમત ૨૫ ટકા જેટલી વધારે છે.

આ સાઉન્ડ ડેસિબલ લેવલના પ્રમાણ વિશે વાત કરતાં સ્ટેટ એન્વાયર્નમેન્ટ સેક્રેટરી વલ્સા નાયર સિંહે જણાવ્યું હતું કે ‘નાગરિકોની જાગૃતિ માટેનું શિક્ષણ આપવાની સાથે-સાથે અમે હવે ફટાકડાના વિક્રેતા સામે કડક હાથે કામ લેવાનું વલણ અપનાવ્યું છે. આ વિક્રેતાઓ માટે ગ્રાહકને સાઉન્ડ ડેસિબલ લેવલની સમજ આપવાનું અને ફટાકડાના પૅકેટ પર સાઉન્ડ ડેસિબલ લેવલની વિગતો આપવાનું ફરજિયાત છે. જોકે અમને ખબર પડી છે કે ઘણાં પૅકેટો પર આ જરૂરી માહિતીનો નર્દિેશ કરવામાં નથી આવ્યો.’