ઑપરેશન લોટસ : પ્રોડ્યુસ્ડ બાય પાટીલ

22 June, 2022 08:20 AM IST  |  Mumbai | Rashmin Shah

દેવેન્દ્ર ફડણવીસની માહિતી અમિત શાહને પહોંચાડીને તેમની પાસેથી પરમિશન મેળવી સી. આર. પાટીલે તમામ જવાબદારી પોતાના પર લઈને મિશન શરૂ કર્યું અને આમાં તેમણે કામે લગાડ્યું તેમનું જળગાંવ કનેક્શન

ફાઈલ ફોટો


રાજકોટ : મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ અને ઉદ્ધવ ઠાકરેને ટેન્શન કરાવી દેનારા ઑપરેશન લોટસના કર્તાહર્તા ગુજરાત બીજેપીના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ છે. સી. આર. પાટીલ મૂળ મહારાષ્ટ્રિયન છે અને આજે પણ જળગાવમાં તેમના ઘરથી માંડીને ખેતર બધું છે, તો અવારનવાર તેઓ મહારાષ્ટ્ર પણ આવતા રહે છે. ૨૦૧૪માં સી. આર. પાટીલને મહારાષ્ટ્રમાંથી સંસદસભ્યની ટિકિટ આપવા વિશે પણ વિચારણા થઈ હતી.
સી. આર. પાટીલ અને દેવેન્દ્ર ફડણવીસ નિયમિત કૉન્ટૅક્ટમાં હોવાને કારણે ફડણવીસે તેમને શિવસેના અને કૉન્ગ્રેસના અમુક વિધાનસભ્યો નારાજ હોવાની વાત કરી, જે વાતને પાટીલે પકડી લીધી હતી. પાટીલે જ આ વાત અમિત શાહને પહોંચાડી હોવાનું અને તેમની પાસેથી પણ પરમિશન મેળવવાનું કામ કર્યું હોવાનું કહેવાય છે. અમિત શાહ પાસેથી ગ્રીન સિગ્નલ મળ્યા પછી સી. આર. પાટીલે બધી જવાબદારી પોતાના પર લઈને મિશન લોટસનો આરંભ કર્યો હતો.
બ્રેઇન-વર્ક ૬ મહિનાનું
ગઈ કાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ-અલગ કુલ પાંચ કાર્યક્રમમાં હાજરી આપનાર સી. આર. પાટીલ અચાનક સોમવારે સાંજે જ પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને સુરત પહોંચી ગયા હતા. પાટીલ અને એકનાથ શિંદે સીધા સંપર્કમાં છે, જેમાં સૂત્રધારની ભૂમિકા જળગાવના શિવસેનાના વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલે ભજવી હોવાનું કહેવાય છે. ગુલાબરાવ પાટીલથી શરૂઆત કરીને એક પછી એક નારાજ શિવસૈનિકના કૉન્ટૅક્ટનું પરિણામ અંતે એ આવ્યું કે સી. આર. પાટીલ અને દેવેન્દ્ર ફડણવીસ પાસે નારાજ કૉન્ગ્રેસીઓનું લિસ્ટ પણ તૈયાર થવા માંડ્યું હતું.
     મહિનાની આ મીટિંગ અને બ્રેઇન-વર્ક પછી આખું પિરક્ચર ક્લિયર કરીને બીજેપીના પાટીલ અને ફડણવીસે એને ફાઇનલ સ્ટેપ પર લીધું અને એક મહિનામાં રાજ્યસભા ઇલેક્શનમાં પણ ક્રૉસ-વોટિંગ દ્વારા શિવસેના-કૉન્ગ્રેસ બન્નેને ઝટકો આપી દીધો અને એ વિશે વધારે વિચારણા થાય એ પહેલાં જ નારાજ શિવસૈનિકોને ગુજરાતમાં બોલાવીને બળવાનું એલાન કરી દીધું. 
‘ઑપરેશન લોટસ’ની સક્સેસ પછી સ્વાભાવિ ક રીતે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ મળી શકે છે તો સી. આર. પાટીલ સેન્ટ્રલમાં જુનિયર અમિત શાહ તરીકે ઊભરી આવશે.

એક મહિનાથી ચાલતી હતી ઑપરેશન લોટસની તૈયારી 

મહારાષ્ટ્રની આઘાડી સરકાર સામે જોખમ ઊભું કરી દેનારા શિવસેનાના ત્રીસ વિધાનસભ્યોની આગેવાની લઈને સુરત આવી ગયેલા શિવસેનાના એકનાથ શિંદેનું આ કામ છેલ્લા એક મહિનાથી ચાલતું હતું. એમાં સૈદ્ધાંતિક રીતે નક્કી થયું હતું કે મહારાષ્ટ્ર ‌રાજ્યસભાનાં પરિણામોના ૭૨ કલાકમાં એને અંતિમ તબક્કામાં એન્ટર કરવું અને એવું જ થયું. સુરતની જે હોટેલમાં સૌકોઈને સાથે રાખવાનું નક્કી થયું હતું એ હોટેલમાં મૅરેજ ફંક્શન ચાલતું હોવાથી અગાઉનો પ્રોગ્રામ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યો અને સોમવારે બપોર પછી એકનાથ શિંદે સાથે જોડાયેલા વિધાનસભ્યો નક્કી કર્યા મુજબ મુંબઈથી નીકળવા માંડ્યા.
સુરતની લ મેરિડિયન હોટેલમાં રહેલા આ તમામ વિધાનસભ્યોને એક જ ફ્લોર પર રાખવામાં આવ્યા છે. હોટેલના એક ફ્લોર પર કુલ ૪૫ રૂમ છે. એ રૂમ પણ બુક કરી લેવામાં આવ્યા છે. હોટેલના ફ્લોરને સૌકોઈએ ‘લોટસ ફ્લોર’ નામ આપ્યું છે, જ્યાં પહોંચ્યા પછી બધાના મોબાઇલ પણ સ્વાભાવ‌િક રીતે લઈ લેવામાં આવ્યા છે. અલબત્ત, વિધાનસભ્યો પોતાની ફૅમિલી સાથે કૉન્ટૅક્ટમાં રહી શકે એ હેતુથી થોડી-થોડી વારે ગુજરાતના નંબર પરથી તેમને વાત કરાવી દેવામાં આવે છે.
હોટેલમાં કરવામાં આવેલા વધારાની રૂમના બુકિંગને કારણે પૉલિટિકલ બિગ શૉટ્સનું માનવું છે કે આ જ ઑપરેશનમાં હજી વધારે વિધાનસભ્યો જોડાઈ શકે છે.

devendra fadnavis mumbai news maharashtra