સેન્ટ્રલ રેલવેના પૅસેન્જરોએ હજી વધુ રાહ જોવી પડશે

13 December, 2011 09:52 AM IST  | 

સેન્ટ્રલ રેલવેના પૅસેન્જરોએ હજી વધુ રાહ જોવી પડશે



ટ્રેન મૅનેજમેન્ટ સિસ્ટમ (ટીએમએસ)નો અમલ કરવામાં સેન્ટ્રલ રેલ્વે નિષ્ફળ જતાં હાલાકીનો ભોગ પ્રવાસીઓ બની રહ્યા છે. પ્લૅટફૉર્મ પર ટ્રેન કયા ચોક્કસ સમયે આવશે એની માહિતી પ્રવાસીઓને નથી મળતી. ટ્રેનના આગમન બાબતે કાયમ અનિશ્ચિતતા રહે છે અને એથી ક્યારેક ઇન્ડિકેટર્સ પણ ખોટી માહિતી આપે છે.

૮ મહિના પહેલાં એ સમયના રેલ્વે ર્બોડના ચૅરમૅન વિવેક સહાયે કુર્લા સ્ટેશને ટીએમએસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિસ્ટમને કાર્યાન્વિત કરવા માટે અનેક ડેડલાઇન અપાઈ ચૂકી છે, પણ હજી સુધી તેનું સંપૂર્ણપણે અમલીકરણ ન થતાં ૩૭ લાખ પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  

૩૦ કરોડનો પ્રોજેક્ટ

જોકે સેન્ટ્રલ રેલ્વેનાં સૂત્રો જણાવે છે કે ટીએમએસના અમલીકરણનું કામ આખરી તબક્કામાં છે. ઇન્ડિકેટરો અને અનાઉન્સમેન્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. મસ્જિદ અને સૅન્ડહસ્ર્ટ રોડ સ્ટેશને ચકાસણી થઈ રહી છે એવું નામ નહીં આપવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું. ટીએમએસ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૩૦ કરોડ રૂપિયા છે. એના વડે અનેક ભાષામાં અનાઉન્સમેન્ટ કરી શકાશે. આગામી બે ટ્રેનની માહિતી પણ પ્રવાસીઓને મળી શકશે. કુર્લાની મૉનિટરિંગ-રૂમમાં કલ્યાણ સુધી દોડતી ટ્રેનોની માહિતી જાણી શકાય છે.

ત્રણ મહિનામાં અમલની ખાતરી

સેન્ટ્રલ રેલ્વેના જનરલ મૅનેજર સુબોધ જૈને આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અધિકારીઓએ ત્રણ મહિનામાં ટીએમએસનો અમલ કરવાની ખાતરી આપી હતી. હાલમાં સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ) સ્ટેશને મેઇન અને હાર્બર લાઇનમાં આગામી પાંચ ટ્રેનો વિશેની જાણકારી પૂરી પાડવામાં આવે છે.