૧૦૦ વર્ષ જૂની ગૌશાળામાંથી ગાયોને શિફ્ટ કરવા સામે ગોભક્તોમાં જોરદાર આક્રોશ

12 January, 2023 09:12 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડની ગૌશાળામાંથી ગાયોને ધુળે લઈ જતા ટ્રસ્ટ સામે ગોભક્તો લડી લેવાના મૂડમાં : પોલીસે મધ્યસ્થી કરીને વિરોધ કરનારાઓને કોર્ટમાંથી આદેશ લાવવા માટે થોડો સમય આપ્યો

મુલુંડ પોલીસ-સ્ટેશન પાસે ભેગા થયેલા ગોભક્તો

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર આવેલી નથુ લાલજી ચૅરિટી ટ્રસ્ટ અંતર્ગત ચાલતી ગૌશાળામાંથી ગયા અઠવાડિયે શુક્રવારથી ધીરે-ધીરે ૫૦ ગાયોને ધુળેની એક ગૌશાળામાં શિફ્ટ કરવામાં આવતાં ટ્રસ્ટ કોઈ બિલ્ડરને મદદ કરી રહી હોવાનો દાવો કરીને મુલુંડ અને આસપાસનાં પરાંમાં રહેતા ૧૦૦ ગોભક્તો લડી લેવાના મૂળમાં ગૌશાળા પહોંચ્યા હતા. મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીઓએ મધ્યસ્થી કરીને વિરોધ કરનાર પાર્ટીને ગાયો અહીંથી શિફ્ટ ન કરવા માટે કોર્ટમાંથી સ્ટે-ઑર્ડર લાવવાનું કહ્યું હતું. દરમ્યાન શનિવાર સુધી એક પણ ગાયને અહીંથી શિફ્ટ ન કરવા વિશે ટ્રસ્ટને પણ ચેતવણી આપવામાં આવી હતી.

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર વૈશાલીનગર નજીક ગૌશાળામાં આશરે ૪૦૦ ગાયોની દેખરેખ નથુ લાલજી ચૅરિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રસ્ટ ૧૦૦ વર્ષથી આ ગૌશાળાની દેખરેખ કરે છે. બીજી તરફ મુલુંડના ૪૫૦થી વધુ નાગરિકો ગ્રુપ બનાવીને સવાર, સાંજ અને મોડી રાત સુધી ગાયમાતાની સેવા કરવા અને એમને ખવડાવવા માટે અહીં આવતા હોય છે. ગયા શુક્રવારે બપોરે એક ટેમ્પો અહીં આવ્યો હતો, જેમાં આઠ ગાયને લઈ જવામાં આવી હતી. એવી જ રીતે બીજા ટેમ્પોમાં પણ ગાયોને ભરીને લઈ જવામાં આવતી હોવાની બાતમી ગોભક્તોને મળતાં તેઓ ગૌશાળામાં એનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ટ્રસ્ટે તમામ ગાયોને ધુળેની એક ગૌશાળામાં શિફ્ટ કરતા હોવાનું કહ્યું હતું. બીજા દિવસે પણ અમુક ગાયોને શિફ્ટ કરવામાં આવતાં રવિવારે અને સોમવારે મોટા પ્રમાણમાં ગોભક્તોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક ગૌભક્તે ટ્રક સામે સૂઈને એનો વિરોધ કરતાં આ ઘટનાની જાણ મુલુંડ પોલીસ-સ્ટેશનને કરવામાં આવી હતી. મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીઓએ ગોભક્તો અને ટ્રસ્ટના માણસોને સામસામે બોલાવીને તમામ માહિતીઓ લીધી હતી અને બન્ને પક્ષોને કાયદાકીય ચેતવણી આપી હતી. ટ્રસ્ટ પાસે ગાયોને શિફ્ટ કરવા માટેનો ૨૦૦૯નો ઑર્ડર હોવાથી પોલીસે ગોભક્તોને કોર્ટમાંથી સ્ટે લાવવા માટે કહ્યું હતું અને શનિવાર સુધી એક પણ ગાયને શિફ્ટ ન કરવાની ટ્રસ્ટને ચેતવણી આપી હતી.

નથુ લાલજી ચૅરિટી ટ્રસ્ટના ટ્રસ્ટ્રી દીપક મેંગર (ભાનુશાલી)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ગાયોની સેવા કરતા આવ્યા છીએ. આગળ પણ અમે એ જ કરવા માગીએ છીએ, પણ અહીં જગ્યા નાની પડતી હોવાથી અમે ધુળેમાં ખાધેસ ગૌશાળામાં ગાયોને શિફ્ટ કરી રહ્યા છીએ. ત્યાંની ગૌશાળા ૪૨ એકરમાં ફેલાયલી હોવાથી ગાયો ત્યાં  ફ્રીલી રહી શકશે. એના માટે અમારી પાસે કોર્ટનો ઑર્ડર પણ છે. અમે ગાયોના હિત માટે આ કાર્ય કરી રહ્યા છીએ એ ગોભક્તોએ સમજવું જોઈએ.’

ગૌશાળા શિફ્ટ કરવાનો વિરોધ કરનાર વિરલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ૧૦૦ વર્ષ જૂની ગૌશાળા છે. એની સાથે મુલુંડના નાગરિકોની લાગણીઓ જોડાયેલી છે. ટ્રસ્ટ દ્વારા એકાએક શિફ્ટ કરવામાં આવતી ગાયો સામે અમારો વિરોધ છે. તેમની પાસે ૨૦૦૯નો ઑર્ડર છે જેમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અમારી લીગલ ટીમ કોર્ટમાં સ્ટે માટે ગઈ છે.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથિબીરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રસ્ટ પાસે ગાયને શિફ્ટ કરવા માટેનો ઑર્ડર છે. એમ છતાં મુલુંડના ગોભક્તો એનો વિરોધ કરતા હોવાથી અમે બન્ને પક્ષને પોલીસ-સ્ટેશને બોલાવીને તેમની વચ્ચે મધ્યસ્થી કરી છે. શનિવાર સુધી એક પણ ગાયને શિફ્ટ ન કરવાની ચેતવણી પણ અમે ટ્રસ્ટને પણ આપી છે.’

mumbai mumbai news mulund mehul jethva