પુણે 92.81 ટકા સાથે રિકવરી રેટમાં દેશમાં નંબર-વન

26 October, 2020 12:00 PM IST  |  Mumbai | Mumbai Correspondent

પુણે 92.81 ટકા સાથે રિકવરી રેટમાં દેશમાં નંબર-વન

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં કોરોના સામે લડાઈ ચાલી રહી છે ત્યારે કોરોનાના હૉટસ્પૉટ બનેલા પુણેમાં હવે કોરોનાના દરદીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દરદીઓ કોરોનામાંથી રિકવર થવાનો રેટ પુણેમાં દેશભરમાં સૌથી વધુ ૯૨.૮૧ ટકા નોંધાયો છે.

કોરોનાનો સૌથી પહેલો કેસ પણ પુણેમાં નોંધાયો હતો અને ત્યાર બાદ કેસ વધતાં પુણે કોરોનાના કેસમાં નંબર-વન હતું, પણ હવે પુણેકરે અને પુણે-પ્રશાસને સખત પગલાં લઈ નિયમોનું પાલન કરી જે દરદીઓ છે તેમને યોગ્ય સારવાર અને પૂરતી સગવડ અપાતાં પુણેમાં કોરોનાનો રિકવરી રેટ ૯૨.૮૧ નોંધાયો છે. આમ પુણે હવે ચેન્નઈ-રિકવરી રેટ ૯૨.૬૮, દિલ્હી ૯૦.૭૦ને પણ પાછળ છોડી નંબર-વન બની ગયું છે. મુંબઈનો રિકવરી રેટ ૮૮.૮૧ ટકા છે.

શનિવારે આખા દિવસ દરમિયાન પુણેમાં ૩૨૯ કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે એ સામે ૭૭૪ દરદીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

પુણેમાં ૨૩ કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ચાર દરદી બહારના હતા.

હાલ ૬૮૫ ક્રિટિકલ દરદીઓનો ઉપચાર ચાલી રહ્યો છે, જ્યારે ૩૬૬ દરદીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પુણેમાં અત્યાર સુધી ૧,૫૯,૪૦૬ કેસ થયા છે, જેમાંથી ૧,૪૮,૪૧૬ દરદીઓ સાજા થયા છે. ૪૧૦૫ દરદીઓનાં મોત થયાં છે.

coronavirus covid19 mumbai mumbai news lockdown