કોવિડ પ્રોટોકૉલ સત્તાધારી પક્ષને લાગુ પડતા નથી: ફડણવીસ

19 February, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડ પ્રોટોકૉલ સત્તાધારી પક્ષને લાગુ પડતા નથી: ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર કોવિડ પ્રોટોકોલ બાબતે બેવડાં ધોરણ રાખવાનો આરોપ મૂક્યો હતો. કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બન્યા પછી સમગ્ર રાજ્યમાં જાહેર સભાઓ યોજતા નાના પટોલે તથા અન્ય નેતાઓ તરફ ફડણવીસે કટાક્ષ કર્યો હતો. ફડણવીસ ૧ માર્ચથી શરૂ થતા વિધાનમંડળના બજેટ સત્ર પૂર્વેની બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટીની મીટિંગમાં હાજરી આપવા ગઈ કાલે વિધાનભવનમાં ઉપસ્થિત હતા.  તેમણે જણાવ્યું હતું કે ‘તમામ મુદ્દાની ચર્ચા કરી શકાય એ માટે અમે ચાર અઠવાડિયાંનું બજેટસત્ર યોજવાની માગણી કરી હતી, પરંતુ સત્તાધારીઓ લાંબું સત્ર યોજવા ઉત્સુક જણાતા નથી.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘સત્તાધારી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઘટક પક્ષોના મેળાવડા શા માટે બેરોકટોક યોજવાની છૂટ અપાતી હશે એ જ સમજાતું નથી. ઉદ્ધવ ઠાકરેની સરકાર એક બાજુ સામાન્ય નાગરિકોને કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે મોટા મેળાવડા કરવા કે ટોળામાં ભેગા મળવાની મનાઈ ફરમાવે છે અને બીજી બાજુ સત્તાધારી પક્ષના મોટા મેળાવડા આડેધડ યોજાઈ રહ્યા છે. તેમને કોવિડ પ્રોટોકોલ લાગુ પડતા નથી. શિવસેના સાથે સત્તામાં ભાગીદાર પક્ષોને સ્પષ્ટ સંદેશ આપી દેવો જોઈએ. ખરેખર તો જનતાને કહેવાની સાથે તેમણે કોવિડ પ્રોટોકોલનું સખતાઈથી પાલન કરવું જોઈએ.’

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર જેવા અભિનેતાઓએ ટ્વિટર પર વિરોધ કરવો જોઈએ એવી મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેની માગણીને ફડણવીસે પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘નાના પટોલે નવા-નવા પ્રમુખ બન્યા છે એથી લોકપ્રિય બનવાની અને સમાચારોમાં ચમકીને જનતા સમક્ષ આવવાની તેમની ઇચ્છા પ્રબળ રહે છે. એથી તેઓ અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર જેવા મેગા સ્ટાર્સનાં નામનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના પર નિશાન તાકીને પોતે પ્રચાર પામી રહ્યા છે. કોઈ શૂટિંગ કેવી રીતે બંધ કરાવી શકે? આ દેશમાં લોકશાહી છે.’

mumbai mumbai news devendra fadnavis