કોરોનાના કહેર વચ્ચે બાળકોમાં દેખાયા નવી બીમારીના લક્ષણો, ચિંતામાં વધારો

22 July, 2020 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના કહેર વચ્ચે બાળકોમાં દેખાયા નવી બીમારીના લક્ષણો, ચિંતામાં વધારો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધુ પ્રભાવિત છે. દરમિયાન અહીં બાળકોમાં કોરોના વાયરસ ઉપરાંત નવી બીમારીના લક્ષણો જોવા મળી રહ્યાં છે. જે ચિંતામાં વધારો કરે છે. વાડિયા હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં 100 કોરોનાગ્રસ્ત બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 18 બાળકો Paediatric Multisystem Inflammatory Syndrome (PMIS)નો ભોગ બન્યા છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, PMISના લક્ષણો સામાન્ય છે. જેમાં તાવ આવવો, ત્વચામાં લાલાશ આવવી, આંખમાં બળતરા થવી, પેટ સંબંધિત બિમારીઓ વગેરે થાય છે. આ બિમારીના લક્ષણોને લીધે ડૉક્ટરોની ચિંતામાં વધારો થયો છે. અહેવાલ મુજબ, 18માંથી 2 બાળકોનું કોરોનામાંથી સાજા થયા બાદ આ બિમારીથી મોત નિપજ્યુ હતું. વાડિયા હોસ્પિટલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને આ અંગે જાણ કરી છે. અન્ય જગ્યાએથી ડેટા મંગાવી રહ્યા છે. વાડિયા હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. શકુંતલા પ્રભુએ કહ્યું હતું કે, માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી 600 બાળકોના કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી 100 પૉઝિટિવ આવ્યા હતા. આ 100માંથી 18 બાળકોમાં PMISના લક્ષણો જોવા મળ્યા છે. જે કાવાસાકી જેવા છે. કાવાસાકી નાના બાળકોમાં જોવા મળે છે જ્યારે PMIS 10 મહિનાથી લઈને 15 વર્ષના બાળકોમાં જોવા મળે છે.

અત્યારે, ડૉક્ટરો આ મામલામાં સંશોધન કરી રહ્યાં છે. આ પ્રકારના કેસ જૂન મહિનામાં મુંબઈ આવ્યા હતા. ચેન્નઈ, દિલ્હી અને જયપુરમાં પણ આ પ્રકારના કેસ નોંધાયા છે.

coronavirus covid19 mumbai mumbai news