પાલઘરમાં પોલીસનું કોરોનાને કારણે મોત

14 July, 2020 11:21 AM IST  |  Palghar | Agencies

પાલઘરમાં પોલીસનું કોરોનાને કારણે મોત

પ્રતીકાત્મક તસવીર

પાલઘર જિલ્લામાં ગઈ કાલે કોરોના વાઇરસના સંક્રમણને કારણે ૩૮ વર્ષના પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

મરનાર પોલીસ નાઇક થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં રહેતા હતા તથા તેઓ પાલઘર જિલ્લાના વસઈ તાલુકાના વાલીવ ગામે ફરજ પર તહેનાત હતા, કોરોના વાઇરસના પરીક્ષણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીં છેલ્લા બે-ત્રણ દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં ગઈ કાલે તેમનું મૃત્યુ થયું હોવાનું પાલઘરના પોલીસ સુપરિટેન્ડન્ટ સચિન નાવાડકરે જણાવ્યું હતું.

ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. કૈલાશ એસ. હિંદેએ મરનાર પોલીસ કર્મચારીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

નાવાડકરે જણાવ્યું હતું કે પાલઘર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૩૫ પોલીસ કર્મચારીઓ કોવિડ-19ના સંક્રમિત થયા છે, જેમાંથી ૨નાં મૃત્યુ થયાં છે. આ અગાઉ ગયા મહિને ૪૦ વર્ષના એક હવાલદારનું કોવિડ-19માં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૩૦ પોલીસ કર્મચારીઓને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

mumbai palghar coronavirus covid19 lockdown