પ્રાઇવેટ હૉસ્પિટલોની બેદરકારીથી કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે?

07 April, 2020 09:56 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પ્રાઇવેટ હૉસ્પિટલોની બેદરકારીથી કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે?

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી (પૂર્વ)માં એમ. જી. રોડ પર એક સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના એક ગુજરાતી વેપારીની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવવાથી તેમની અત્યારે પાલિકાની એક સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પેશન્ટને ચાર દિવસ પહેલાં તાવ આવતો હોવાથી મલેરિયાની દવા અપાયા બાદ પણ તબિયતમાં સુધારો ન થતાં બોરીવલીમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં તેમને કોરોનાનું સંક્રમણ થવાની શંકા હોવા છતાં પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવાને બદલે ડૉક્ટરોએ તેમને ઘરે મોકલી દીધા હતા. બાદમાં તકલીફ વધતાં પાલિકાની આરોગ્ય ટીમની મદદથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુંબઈમાં કોરોનાના દરદીઓની સતત વધી રહેલી સંખ્યા માટે આવી હૉસ્પિટલો જવાબદાર હોવાની શંકા આ કેસ ઉપરથી ઊભી થાય છે.

મુંબઈ મહાનગરપાલિકાના આર સેન્ટ્રલ વૉર્ડના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ બોરીવલી (પૂર્વ)ની એક સોસાયટીના ૬૦ વર્ષના ગુજરાતી વેપારીને કોરોનાના લક્ષણ દેખાતાં તેમને શનિવારે કાંદિવલીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા હતા. પેશન્ટે કરાવેલા રિપોર્ટમાં તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેમની અત્યારે અહીં સારવાર ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચોંકાવનારી વાત એ છે કે આ પેશન્ટને ચાર-પાંચ દિવસથી તાવ આવતો હોવાથી તેમણે બોરીવલીમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી દવા લેવાની સાથે બ્લડ સેમ્પલ આપ્યું હતું. લોહીના રિપોર્ટમાં તેમને મલેરિયા થયો હોવાનું જણાતા એની દવાઓ આપીને ઘરે આરામ કરવાનું કહેવાયું હતું.

જોકે બે દિવસ બાદ પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે ઠંડી લાગતાં પરિવારજનો તેમને બોરીવલીમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. પેશન્ટને કોરોનાનું સંક્રમણ થવાની શંકા જતાં તેમને કેટલીક દવાઓ આપીને ઘરે મોકલી આપ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હૉસ્પિટલોને સૂચના અપાઈ છે કે કોરોનાના કોઈ શંકાસ્પદ દરદી જોવા મળે તો તેની જાણ રાજ્ય કે પાલિકાના આરોગ્ય વિભાગને કરવામાં આવે. આ સૂચનાનું પાલન કરવાને બદલે હૉસ્પિટલે દરદીને ઘરે મોકલી દઈને તેમને તથા તેમના પરિવારજનો સહિત તેઓ જેમના સંપર્કમાં આવ્યા હશે તેમના જીવ જોખમમાં મૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું.

હૉસ્પિટલ સીલ થવાના ડરથી જાણ નથી કરાતી?

કોરોનાના દરદીઓ પોતાની હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવવા કે સારવાર કરાવવા આવ્યા હોવાનું જણાય તો આખી હૉસ્પિટલને સીલ કરીને સૅનિટાઈઝ કરાય છે. સૂત્રોના કહેવા મુજબ બોરીવલીના દરદીના મામલામાં હૉસ્પિટલને સીલ કરવાથી બચાવવાની સાથે બિઝનેસ ગુમાવવા ન માગતા ડૉક્ટરોએ પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવાને બદલે તેમને ઘરે મોકલી દીધા હતા.

brihanmumbai municipal corporation mumbai mumbai news coronavirus covid19