ગુડ ન્યુઝ : થાણેમાં 2077 કોરોના દર્દી સાજા થયા

25 May, 2020 12:48 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ગુડ ન્યુઝ : થાણેમાં 2077 કોરોના દર્દી સાજા થયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ શહેરની નજીકના થાણે જિલ્લામાં નોંધાયા છે. આ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા ૫૩૮૮ કોરોનાના કેસમાંથી ગઈ કાલ સુધી ૨૦૭૭ દર્દીઓ રિકવર થયા હતા. રિકવર થવામાં નવજાત બાળકથી માંડીને ૯૧ વર્ષના દર્દીનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમાચાર થાણેના રહેવાસીઓ માટે કોરોનાની લડતમાં સારી નિશાની હોવાનું કલેક્ટરે કહ્યું હતું. રવિવાર સુધી થાણે જિલ્લામાં કોરોનાના દર્દીઓની રિકવરીની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રશાસન દ્વારા અહીંના ૩૦,૩૩૪ લોકોનાં સૅમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલ્યાં હતાં એમાંથી ૨૨,૯૬૨ લોકોની ટેસ્ટ નેગેટિવ આવી હતી. ૫૩૮૮ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હતું જેમાંથી ૧૬૩ લોકોનાં મૃત્યુ થયાં છે. બાકીના ૩૧૫૧ દર્દીની સારવાર ચાલી રહી છે.

થાણેના કલેક્ટર રાજેશ નાર્વેકરે કહ્યું હતું કે ‘નાગરિકોના સહયોગ અને જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલા પ્રયત્નને લીધે કોરોના સામેની લડાઈમાં સફળતા મેળવવી મુશ્કેલ નથી. આપણને ૨૦૭૭ દર્દીઓને હેમખેમ ઘરે મોકલવામાં સફળતા મળી છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોરોના સામેની લડત ખતમ થઈ ગઈ છે. હજી પણ લાંબા સમય સુધી આપણે આ વાઇરસનો સામનો કરવો પડશે એટલે લોકોએ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ અને પ્રશાસન દ્વારા જે કંઈ પણ પ્રયાસ કરાઈ રહ્યો છે એની અમલબજવણીમાં લોકોએ સહયોગ કરવો જોઈએ એવી અપીલ કલેક્ટરે કરી હતી.

થાણેમાં કોરોનાના 309 દર્દીઓનો વધારો, મૃતકોની સંખ્યા 134

થાણે ડિસ્ટ્રિક્ટમાં કોવિડ-૧૯ના પૉઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શનિવારે થાણેમાંથી ૩૦૯ જેટલા દર્દીઓ કોવિડ-૧૯ પૉઝિટિવના મળી આવ્યા હતા. આ સાથે હવે થાણેમાં દર્દીઓની સંખ્યા ૫૩૮૭ ઉપર પહોંચી હતી જ્યારે મૃતકોની સંખ્યા ૧૩૪ થઈ ગઈ હતી.

નવા ઉમેરાયેલા દર્દીઓમાં ૧૨ જેટલાં બાળકો છે. તેમની ઉંમર એકથી બાર વર્ષની વચ્ચે છે. ડિસ્ટ્રિક્ટ અધિકારીના જણાવ્યા અનુસાર ૧૩૪ દર્દીઓ થાણે શહેરમાંથી અને ૭૬ જેટલા દર્દીઓ નવી મુંબઈ ટાઉનશિપમાંથી નોંધાયા હતા.

ટોટલ કેસમાં થાણે મહાનગરપાલિકાની હદમાંથી ૧૮૯૧ કેસ, નવી મુંબઈમાંથી ૧૫૬૧, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી ૭૩૦, મીરા-ભાઈંદરમાંથી ૪૮૯, થાણે ગ્રામ્યમાંથી ૨૬૭, ઉલ્હાસનગરમાંથી ૧૫૬, બદલાપુરમાંથી ૧૫૩, ભિવંડીમાંથી ૮૨ અને અંબરનાથમાંથી ૫૮ જેટલા કેસ પૉઝિટિવ મળી આવ્યા હતા.

mumbai mumbai news thane coronavirus covid19 lockdown