મીરા-ભાઈંદરમાં એક જ દિવસમાં 51 કોરોના કેસથી ફફડાટ

24 May, 2020 07:38 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મીરા-ભાઈંદરમાં એક જ દિવસમાં 51 કોરોના કેસથી ફફડાટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં લૉકડાઉન લાગુ કરાયા બાદથી કોરોનાના થોડા-થોડા દરદીઓ નોંધાતા હતા, પરંતુ શુક્રવારે એકસાથે ૫૧ નવા કેસ આવતાં લોકો ફફડી ઊઠ્યા છે. પાલિકા-પ્રશાસન અને પોલીસના તમામ પ્રયાસો બાદ પણ લોકો ઘરોમાંથી નીકળવાનું બંધ નહીં કરે તો ટૂંક સમયમાં આ વિસ્તાર મુંબઈના ધારાવીની જેમ હૉટસ્પૉટ બનવાની શક્યતા જોવાઈ રહી છે.

મીરા-ભાઈંદરમાં પંદરેક દિવસ પહેલાં એકસાથે કોરાનાના ૫૬ દરદીઓ સાજા થઈને ઘરે ગયા બાદ અહીંના રહેવાસીઓ અને પાલિકા-પ્રશાસને રાહત અનુભવી હતી. જોકે એ પછી થોડા-થોડા કરીને નવા અને જૂના દરદીના કૉન્ટૅક્ટના કેસ વધવા માંડ્યા હતા.

શુક્રવારે મીરા રોડ, ભાઈંદર (પૂર્વ) અને (પશ્ચિમ) મળીને એકસાથે કોરોનાના ૫૧ દરદીઓ નોંધાયા હતા. આ સાથે જ અહીં કોરોનાના કુલ દરદીઓનો આંકડો સાડાચારસોને વટાવીને ૪૫૪ થયો હતો. આમાંથી અત્યાર સુધી ૧૨ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૨૬૩ લોકો સારવાર બાદ કોરોનામુક્ત થઈને ઘરે ગયા હતા. કોરોનાના દરદીઓની રિકવરી અહીં સારી છે, પરંતુ એકસાથે પચાસથી વધારે દરદીઓ એક જ દિવસમાં નોંધાતાં અહીં ફરી હતાશાનું વાતાવરણ નિર્માણ થયું છે.

મીરા-ભાઈંદરમાં કોરોનાના દરદીઓનો આંકડો ૪૫૪ થતાં સોશ્યલ મીડિયામાં આના માટે પાલિકા-પ્રશાસન કે પોલીસ નહીં, પણ કેટલાક બેદરકાર લોકો ઘરોની બહાર નીકળતા હોવાને જવાબદાર ગણાવાઈ રહ્યા છે. સંચારબંધી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો સ્કૂટર-ફોર વ્હીલરમાં નીકળે છે. પોલીસ કાર્યવાહી કરે તો તેમની સામે સવાલ કરીને ઝઘડો કરનારા લોકોની પણ અહીં કમી નથી.

બીજું, રાજકીય નેતાઓ દ્વારા પોલીસે જપ્ત કરેલાં વાહનોને છોડવાનું દબાણ કરાતાં પોલીસે નાછૂટકે બે દિવસથી આવાં વાહનોને તેના માલિકોને સોંપવાની શરૂઆત કરી હતી. આનાથી આ લોકો ફરી રસ્તા પર નીકળીને વાતાવરણ ખરાબ કરવાની શક્યતા ઊભી થઈ છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરોની બહાર ન નીકળવાની વિનંતી ગઈ કાલે કરી હતી.

mira road bhayander coronavirus covid19 lockdown mumbai news mumbai