લૉકડાઉનની ઐસીતૈસી: શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી કતાર

24 March, 2020 09:55 AM IST  |  Mumbai | Agencies

લૉકડાઉનની ઐસીતૈસી: શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી કતાર

મુંબઈ તરફ આવવા માટે ગિર્દી કરતા થયેલો ટ્રાફિકજેમ. તસવીર : પી.ટી.આઇ.

રવિવારે એક દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશનું પાલન તો જનતાએ કર્યું હતું, પણ રવિવારનો દિવસ પૂરો થયો કે સોમવારની સવારથી જ લોકોએ રસ્તા પર ઊતરવાનું શરૂ કરી દીધું હતું. રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, પણ શહેરીજનો સરકારના આદેશના પાલનની ઐસીતૈસી કરીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. મુલુંડ અને સાયનમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

રવિવારે ભારતભરની જનતાએ જનતા કરફ્યુને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. ત્યાર બાદ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ બહાર ન જાય એ માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરફ્યુ જાહેર કર્યો હતો. ૩૧ માર્ચ સુધી ૧૪૪મી કલમ લાગુ કરીને કરફ્યુનો આદેશ બહાર પાડીને રાજ્યની જનતાને ઘરે જ બેસવાની અપીલ કરી હતી. સરકાર તરફથી તમામ પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મુંબઈ-પુણેના નાગરિકોમાં લાપરવાહી જોવા મળી હતી.

મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને બેસ્ટની બસોમાં પણ જરૂરી કામ હોય તો કે પછી સરકારી કે પછી મીડિયાના લોકોને જ પરવાનગી મળી હોવાને કારણે સોમવારે શહેરીજનોએ ખાનગી વાહનોમાં બહાર નીકળવાનું નક્કી કર્યું હતું. આને કારણે મુલુંડ અને સાયન વિસ્તારમાં ભારે પ્રમાણમાં ટ્રાફિક જૅમ હતો. દરમ્યાન મુંબઈનાં તમામ ટોલનાકાં પર ગિરદીને તાબડતોબ ઓછી કરવાનો આદેશ આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપ્યો હતો. બીજી બાજુ પુણેમાં પણ અનેક લોકો ખાનગી વાહનોમાં નીકળ્યા હતા, જેને કારણે અહીં પણ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

ગિરદી કરશો તો કાર્યવાહી કરવાનો ટોપેનો ઇશારો

રવિવારે જનતા કરફ્યુનો આખો દિવસ ઘરમાં રહ્યા બાદ રાજ્યમાં લોકોએ ભારે પ્રમાણમાં બહાર ડોકિયાં કર્યાં હતાં. જોકે કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો હોવાને કારણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરફ્યુનો આદેશ બહાર  પાડીને ૧૪૪ની કલમ લાગુ કરી હતી. રાજ્યમાં પુણે અને મુંબઈ જેવા વિસ્તારમાં ખાનગી વાહનો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. એ પાર્શ્વભૂમિ પર ગિરદી કરનારાઓના વિરોધમાં પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવશે, એવો સંકેત આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકાર-પરિષદને સંબોધતાં આપ્યો હતો. ટોપેએ રાજ્યની જનતાને સંબોધતાં કહ્યું હતું કે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખજો. બહાર આવીને ગિરદી ન કરો અન્યથા કાર્યવાહીનો સામનો કરવો પડશે.`

લોહીની અછત સર્જાવાની શક્યતા    

રાજ્યમાં લોહીની અછત સર્જાવાનું પણ જોખમ ઊભું થયું છે, એવું આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ પત્રકાર-પરિષદને સંબોધતાં જણાવ્યું હતું. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધી રહી છે અને તેઓને લોહીની જરૂર પડી રહી છે એથી રક્તદાન કરો. જોકે રક્તદાન કરતી વખતે કોઈ પણ પ્રકારની લાપરવાહી ન રાખવાની પણ સલાહ તેમણે આપી હતી. રક્તદાન કરતા સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખજો. રક્તદાન કરવાથી કોરોનાનો ભય નથી, એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

mumbai mumbai news mumbai traffic coronavirus covid19