મુંબઈ : કોરોનાના ભય વચ્ચે પાર્ટી?

17 August, 2020 08:12 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ : કોરોનાના ભય વચ્ચે પાર્ટી?

હોટેલમાં પાર્ટી કરતાં પકડાયેલાં યુવક-યુવતીઓ.

પાંચ મહિનાથી મુંબઈગરાઓ કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. કામધંધા બંધ હોવાની સાથે અસંખ્ય લોકોનું ટકી રહેવાનું મુશ્કેલ બન્યું છે એવી પરિસ્થિતિમાં કેટલાક લોકોએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હોવાની ચોંકાવનારી ઘટના જોગેશ્વરી લિન્ક રોડ પરની એક હોટેલમાં શનિવારે રાત્રે બની હતી. પોલીસને દારૂ, ડાન્સની સાથે હુક્કાની પાર્ટીની જાણ થતાં અહીં રેઈડ પાડીને હાઈ પ્રોફાઈલ યુવક-યુવતીઓ અને હોટેલના સ્ટાફ સહિત ૯૭ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરાઈ હતી. લૉકડાઉન નિયમના ભંગ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. આ પાર્ટીનું આયોજન કરનારાઅે કહે છે કે દરેક વ્યક્તિ પાસેથી મસમોટી રકમ લીધી હતી. પોલીસ તેને શોધી રહી છે.

અંધેરી અને જોગેશ્વરી લિન્ક રોડ પર આવેલા ઓશિવરા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે લિન્ક રોડ પર જોગેશ્વરી પાસે આવેલી બૉમ્બે બ્રુટ નામની હોટેલમાં દારૂની સાથે ડાન્સ અને હુક્કા પાર્ટીનું આયોજન કરાયું છે, જેમાં ૧૦૦થી ૧૫૦ લોકો એકત્રિત થયા છે.

જોગેશ્વરીમાં લિન્ક રોડ પર આવેલી બૉમ્બે બ્રુટ હોટેલ

શનિવારે મોડી રાત્રે ઓશિવરા પોલીસની ટીમે હોટેલમાં દરોડો પાડ્યો ત્યારે એમાં અસંખ્ય યુવક-યુવતીઓ દારૂ સાથે હુક્કાનો નશો કરતી જોવા મળી હતી. આથી પોલીસે આ હાઈ પ્રોફાઈલ યુવક-યુવતીઓની સાથે હોટેલના મૅનેજર અને ત્રણ વેઇટરની ધરપકડ કરી હતી. જોકે બાદમાં પોલીસે ૨૮ યુવતીઓને છોડી મૂકી હતી.

પોલીસને મળેલી માહિતી મુજબ એક યુવકે લૉકડાઉનના નિયમમાં છૂટછાટ અપાઈ હોવાથી બૉમ્બે બ્રુટ હોટેલમાં પાર્ટીનું આયોજન કરાયું હોવાના વૉટ્‌સઍપ મૅસેજ કરીને કેટલાક લોકોને આ પાર્ટીમાં આવવાનું ઇન્વિટેશન આપ્યું હતું. કહે છે કે ૧૫૦ જેટલાં યુવક-યુવતી આ પાર્ટીમાં મોટી રકમ ભરીને સામેલ થયાં હતાં, પરંતુ પોલીસની કાર્યવાહી સમયે એમાં ૯૭ લોકો જ હાજર હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઓશિવરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દયાનંદ બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માલવણી પોલીસ સ્ટેશનના એક સબ ઇન્સ્પેક્ટરે આપેલી માહિતીને આધારે અમે હોટેલ બ્રુટમાં રેઈડ પાડી હતી. ૨૮ યુવતી સહિત કુલ ૯૭ લોકો સામે લૉકડાઉનના નિયમ ઉપરાંત આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી. ૨૮ યુવતીઓને બાદમાં છોડી મુકાઈ હતી. પાર્ટીનું આયોજન કરનારાને અમે શોધી રહ્યા છીએ. આરોપીઓ પાસેથી અમે માહિતી મેળવીને તેની સામે આગળની કાર્યવાહી કરીશું.’

બૉમ્બે બ્રુટ હોટેલમાં માલવણી પોલીસ સ્ટેશનનો એક અધિકારી પણ સામેલ હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કહે છે કે તે હોટેલમાં અન્ય લોકોની જેમ ઍન્જોય કરવા આવ્યો હતો. જોકે ઓશિવરા પોલીસે તેને ઇન્ફોર્મર બનાવી દીધો હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ દેશભરનું કોરોનાનું પાંચ મહિનાથી હૉટસ્પૉટ છે, અહીંના લોકોની માનસિકથી લઈને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે કેટલાક લોકો દ્વારા પાર્ટીનું આયોજન કેવી રીતે થઈ શકે? સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને તેઓ પોતાની સાથે બીજાઓને જોખમમાં કેવી રીતે મૂકી શકે એવો સવાલ લોકો કરી રહ્યા છે. આ ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા છે.

mumbai mumbai news jogeshwari coronavirus covid19 lockdown