મુંબઈ: એક વખતના હૉટસ્પૉટ બનેલા મુંબઈના 7 વૉર્ડની ટર્ન અરાઉન્ડ સ્ટોરી

25 June, 2020 08:23 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: એક વખતના હૉટસ્પૉટ બનેલા મુંબઈના 7 વૉર્ડની ટર્ન અરાઉન્ડ સ્ટોરી

આજે કોરોના કેસનું પ્રમાણ આ ૭ વૉર્ડમાં 30 ટકા છે

એક વખતમાં કોરોના રોગચાળાના ફેલાવાના મોટા પ્રમાણને કારણે હૉટસ્પૉટ ગણાતા મુંબઈ મહાનગરપાલિકાના સાત વૉર્ડની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. એ સાત વૉર્ડ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મુંબઈના વિસ્તારોમાં આવે છે. મુંબઈના કુલ કોરોના કેસમાં એ સાત વૉર્ડના કેસનું પ્રમાણ બે મહિના પહેલાં પંચાવન ટકા હતું એ ઘટીને ૩૭ ટકા થયા પછી હવે એક્ટિવ કેસના ૩૦ ટકા પ્રમાણ રહ્યું છે.

વિદેશ પ્રવાસથી આવેલા લોકોના કેસ સૌથી પહેલા કે-વેસ્ટ વૉર્ડ (જોગેશ્વરીથી વિલે પાર્લે)માં નોંધાયા અને સૌથી પહેલાં સીલ કરાયેલો વિસ્તાર જી-નોર્થ વૉર્ડનો વરલી કોલીવાડા હતો. ધારાવીમાં પહેલા ચાર અઠવાડિયાં કેસ ન નોંધાયા અને મે મહિનાના પહેલા અઠવાડિયામાં ત્યાં કેસનો રાફડો ફાટ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કુર્લા (એલ-વૉર્ડ), બાંદરા (પૂર્વ)માં બહેરામપાડા તથા અન્ય ઝૂંપડપટ્ટી (એચ-ઈસ્ટ વૉર્ડ), વડાલા (એફ-નોર્થ વૉર્ડ) અને ભાયખલા (ઇ-વૉર્ડ) ઝૂંપડપટ્ટીઓના ક્લસ્ટર કેસને કારણે યાદીમાં ટોચ પર રહ્યા હતા. રોગચાળો ફેલાવાના થોડાં અઠવાડિયાં પછી મુંબઈ મહાનગરપાલિકાએ નાના વિસ્તારોને બંધ કરવાને બદલે આખી ઝૂંપડપટ્ટીઓને સીલ કરવા અને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની શરૂઆત કરી હતી. એ નવી પદ્ધતિને કારણે રોગચાળા પર નિયંત્રણ રાખવામાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો દાવો પાલિકાનું તંત્ર કરે છે.

૨૨ એપ્રિલે મુંબઈના કુલ ૩૭૫૪ કેસમાં એ સાત વૉર્ડનો હિસ્સો ૨૦૮૮ કેસ એટલે કે ૫૫.૬ ટકા હતો. ૩૫ દિવસ પછી ૨૭ મેએ એ વિસ્તારોમાં કેસનું પ્રમાણ પાંચથી દસ ટકા વધ્યું હતું. એ વખતે મુંબઈના કુલ કેસમાં એ સાત વિસ્તારોનું પ્રમાણ ૪૭ ટકાની આસપાસ હતું.

૨૩ જૂને કેસનું પ્રમાણ શહેરમાં સૌથી વધારે તો છે જ કારણ કે એકંદરે મૂળ કેસને આધારે સંખ્યા વધતી જાય છે, પરંતુ શહેરના કુલ કેસમાં એ સાત વૉર્ડનું પ્રમાણ ૩૭.૫ ટકા પર પહોંચ્યું છે. એક્ટિવ કેસમાં માંડ ૩૦થી ૩૧ ટકા પ્રમાણ આ સાત વૉર્ડનું છે. શહેરના કુલ ૩૦,૧૫૮ એક્ટિવ કેસમાં એ સાત વૉર્ડના કેસની સંખ્યા ૯૪૨૩ એક્ટિવ કેસ (૩૧ ટકાથી ઓછી) છે.

mumbai mumbai news prajakta kasale coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation