કોરોના સામે ટક્યા, મંદી સામે હારી ગયા: કુંભારવાડાના 550 ગુજરાતી પરિવાર

10 August, 2020 07:04 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કોરોના સામે ટક્યા, મંદી સામે હારી ગયા: કુંભારવાડાના 550 ગુજરાતી પરિવાર

કુંભારવાડાની મટકીના ફોટો.

કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં મોટા પાયે દહીહંડીની ઉજવણી કરાય છે. આ ઉજવણીમાં જે મટકીનો ઉપયોગ થાય છે એ ધારાવીમાં આવેલા કુંભારવાડામાં તૈયાર થાય છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે કરાયેલા લૉકડાઉનને લીધે દહિહંડી સહિતના તહેવારની ઉજવણી કરવાનું મુશ્કેલ હોવાથી કુંભારવાડામાં રહેતા ૫૫૦ જેટલા ગુજરાતી કુંભાર અને તેમના પર નભતા બીજા બે હજાર જેટલા લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. આ બધા ધારાવીમાં કોરોના ભયંકર રીતે ફેલાયો હતો છતાં એમાંથી બચી ગયા પણ હવે મંદીના મારથી બચી શક્યા નથી.

આ કુંભારો રમઝાનમાં ફિરની-રબડી માટે માટીની ડિશ બનાવતા હતા એ સીઝન ફેલ ગયા બાદ હવે જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી સુધીના તમામ તહેવારની કોઈ ખરીદી ન હોવાથી આર્થિક સંકડામણ અનુભવવાને કારણે અનેક પરિવારો કુંભારવાડો છોડીને બીજે રહેવા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એશિયાના સૌથી મોટી ગણાતા ધારાવી સ્લમમાં અંદાજે ૧૦૦ વર્ષ પહેલાં બ્રિટિશરોએ કુંભારોને વસાવ્યા હતા. ફાળવાયેલી ૧૨.૫ એકર જમીનમાં તેઓ માટીનાં માટલાં, માટલી, દીવડા, ગરબા, ગ્લાસ સહિતની અનેક વસ્તુઓ ભઠ્ઠીમાં બનાવે છે. અત્યારે ૧૫૦ જેટલી ભઠ્ઠી ચાલુ છે. જોકે ગ્રાહકો ન હોવાથી તેઓ કામ વિના ચારેક મહિનાથી બેસી રહ્યા હોવાથી મોટા ભાગના પરિવાર આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે.

કુંભારવાડામાં વિવિધ પ્રકારનાં માટીનાં વાસણો વેચતા ગોવિંદ ચિત્રોડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રમઝાન મહિનામાં ફિરની અને રબડી ભરવા માટેની માટીની ડિશની રમઝાનમાં ભારે ડિમાન્ડ હોવાથી અહીં મોટા પ્રમાણમાં એ બનાવાય છે. જોકે લૉકડાઉનને લીધે મુંબઈ બંધ હોવાથી રમઝાનની સીઝન ખરાબ ગઈ. જન્માષ્ટમીમાં દહીહંડીમાં વપરાતી માટલી કુંભારવાડામાં જ બનાવાય છે. કોરોનાને લીધે બધા તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો હોવાથી એ સીઝન પણ અમારા હાથમાંથી ગઈ છે. નવરાત્રિમાં ગરબા અને દિવાળીમાં દીવડાનું કામકાજ હોય છે, પરંતુ આ વખતે એના ઑર્ડર પણ નહીં મળે એટલે ગુજરાતી કુંભારના ૫૫૦ જેટલા પરિવાર અને તેમના પર નભતા બીજા બે હજાર જેટલા પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવી જ સ્થિતિ રહી તો અમારે ભવિષ્યમાં અહીં રહેવું કે વતનભેગા થઈ જવું એ વિચારવું પડશે.’

સોરઠિયા કુંભાર સમાજના ભૂતપૂર્વ પ્રમુખ ધનસુખ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધારાવીના કુંભારવાડામાં સૌરાષ્ટ્રના ઊના અને વેરાવળના માટીકામ કરતા ૫૫૦ જેટલા કુંભાર પરિવાર ૧૨.૫ એકર જમીનમાં રહીને માટીના વાસણથી લઈને માટલાં, માટલી અને દીવડા બનાવે છે. સફેદ માટી ગુજરાતના વાંકાનેર પાસેના થાનથી અને લાલ માટી પેણ અને પનવેલથી આવે છે. જન્માષ્ટમીની ઉજવણીમાં વપરાતી દહીહંડી ૫૦ રૂપિયાથી ૧૨૫ રૂપિયામાં અમે વેચીએ છીએ. આ તહેવારમાં આવી હજારો મટકીઓનું વેચાણ થાય છે. સાડાચાર મહિનાથી લૉકડાઉન હોવાથી બધું કામકાજ બંધ છે એટલે બધા મુશ્કેલીમાં મુકાયા છે.’
કોરોનાનો ડર હોવા છતાં સ્થળાંતર ન કર્યું.

ધારાવીમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ આવવા માંડતાં અહીં રહેતા અનેક પરિવારો અહીંથી બીજે સ્થળાંતર કરી ગયા હતા. જોકે કુંભાર સમાજના પરિવારો ત્રણ-ચાર પેઢીથી અહીં જ રહેતા હોવાની સાથે મુંબઈ છોડીને બીજે રહેવા જઈશું તો ત્યાં પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે એમ વિચારી તથા એનાથી ડરવાને બદલે પ્રતિકાર કરવાનો મોટા ભાગના પરિવારોએ નિર્ણય લીધો હોવાથી તેઓ ધારાવીમાં જ રહ્યા છે. કામકાજ નથી, પણ પરિસ્થિતિને અનુકૂળ થયા છે.

નવરાત્રિમાં ગરબા અને દિવાળીમાં દીવડાનું કામકાજ હોય છે, પરંતુ આ વખતે એના ઑર્ડર પણ નહીં મળે એટલે ગુજરાતી કુંભારના ૫૫૦ જેટલા પરિવાર અને તેમના પર નભતા બીજા બે હજાર જેટલા પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવી જ સ્થિતિ રહી તો અમારે ભવિષ્યમાં અહીં રહેવું કે વતનભેગા થઈ જવા વિશે વિચારવું પડશે.’
- ગોવિંદ ચિત્રોડા, કુંભારવાડાના વેપારી

mumbai mumbai news dharavi coronavirus covid19 lockdown prakash bambhrolia