મીરા-ભાઇંદર સાવધાન: વધી રહ્યા છે કોરોનાના કેસ

18 November, 2020 07:33 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મીરા-ભાઇંદર સાવધાન: વધી રહ્યા છે કોરોનાના કેસ

પહેલી ઑક્ટોબરે મીરા-ભાઇંદરમાં 1987 ઍક્ટિવ કોરોના કેસ હતા અને મીરા-ભાઇંદરમાં અત્યારે 528 ઍક્ટિવ કોરોના કેસ છે

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં પણ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી છે. આઠ મહિનાથી અહીં દરરોજ નવા કેસ વધવાની સાથે મૃત્યુ નોંધાતા હતા ત્યારે છેલ્લા પાંચ દિવસમાં બન્ને સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. એક સમયે અહીં ૨૦૦૦ કરતાં વધારે એક્ટિવ કેસ હતા એની સામે અત્યારે માત્ર ૫૨૮ દરદી જ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ દિવસ સુધી ઝીરો મૃત્યુ બાદ ગઈ કાલે બે દરદીએ દમ તોડ્યો હતો. જો કે નવા કેસની સંખ્યા ૩૦ રહેવાની સાથે ૫૫ પેશન્ટ રિકવર થયા હતા.

નવા કેસ અને મૃત્યુમાં ઘટાડો થવાની સાથે મીરા-ભાઈંદરમાં રીકવરી રેટ ૯૪.૪૪ ટકા થયો છે. નવા કેસ નોંધાવાની તુલનાએ મોટા પ્રમાણમાં કોવિડના દરદીઓ ઠીક થઈ રહ્યા હોવાથી રીકવરીની ટકાવારીમાં ધરખમ વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવાર સુધીના પાંચ દિવસમાં અહીં દરરોજ ૫૯, ૪૨, ૧૯, ૩૩ અને ૨૦ નવા કેસ નોંધાયા હતા. આની સામે ડબલથી ત્રણ ગણા દરદી રીકવર થયા હતા.

કોવિડના કેસ આવવાની શરૂઆત થયા બાદ મીરા-ભાઈંદરમાં ૧૫ ઑગસ્ટે સૌથી વધુ ૧૧ દરદીના કોવિડને લીધે મૃત્યુ થયા હતા, જ્યારે ૩૧ જુલાઈએ એક જ દિવસમાં ૩૨૭ નવા કેસ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ૧ ઑક્ટોબરે અહીં ૧૯૮૭ દરદી સારવાર હેઠળ હતા. જોકે બાદમાં નવા કેસમાં ઘટાડાની સાથે રીકવરીમાં વધારો થવાથી સ્થિતિમાં સુધારો થયો હતો.

મંગળવાર સુધીના વીતેલા પાંચ દિવસમાં એક પણ દરદીનું કોવિડને કારણે મૃત્યુ નહોતું થયું. જોકે ગઈ કાલે વધુ બે દરદીઅે દમ તોડતા કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અહીં ૭૪૬ લોકોએ આ જીવલેણ વાઇરસમાં જીવ ગુમાવ્યા છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડૉક્ટરના જણાવ્યા મુજબ સોમવારે ૧૦ નવા અને ૧૦ જૂના કેસના સંસર્ગમાં આવેલા મળીને કુલ ૨૦ દરદી નોંધાયા હતા. એની સામે ત્રણ ગણા એટલે કે ૬૦ દરદી રીકવર થયા હતા. આ આંકડા પરથી અહીંની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાય છે. જોકે હજી કોરોના વાઇરસ સંપૂર્ણપણે નાશ નથી પામ્યો એટલે લોકોએ સાવધાની તરીકે માસ્ક પહેરવાથી માંડીને સૅનિટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.

mumbai mumbai news mira road bhayander prakash bambhrolia coronavirus covid19